08 January, 2026 01:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘હમરાઝ’ના પ્રોડ્યુસર રતન જૈને એક ઇન્ટરવ્યુમાં ‘હમરાઝ 2’ની સંભાવનાઓ વિશે વાત કરી
છેલ્લા કેટલાક સમયમાં બૉબી દેઓલ અને અક્ષય ખન્નાએ પોતાની જોરદાર ઍક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. બૉબીએ ૨૦૨૦માં ‘આશ્રમ’થી નવી શરૂઆત કરી અને પછી ‘ઍનિમલ’થી મોટી સફળતા મેળવી. બીજી તરફ અક્ષય ખન્નાએ ૨૦૨૫માં આવેલી ફિલ્મ ‘છાવા’માં પોતાના જોરદાર અભિનયથી દર્શકોને ચોંકાવી દીધા અને વર્ષનો અંત ફિલ્મ ‘ધુરંધર’થી કર્યો. આ ફિલ્મમાં તેના રહમાન ડકૈતના પાત્રને લોકોએ બહુ પસંદ કર્યું છે. ભૂતકાળમાં બૉબી અને અક્ષય એકસાથે અબ્બાસ-મસ્તાનની હિટ થ્રિલર ફિલ્મ ‘હમરાઝ’માં સાથે કામ કરી ચૂક્યા છે અને હવે તેઓ ‘હમરાઝ’ની સીક્વલમાં સાથે કરશે એવી ચર્ચા હતી.
આ ચર્ચા વિશે ‘હમરાઝ’ના પ્રોડ્યુસર રતન જૈને એક ઇન્ટરવ્યુમાં ‘હમરાઝ 2’ની સંભાવનાઓ વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘જો મને આ બન્ને ઍક્ટર્સ માટે યોગ્ય સ્ક્રિપ્ટ મળી જાય તો હું ચોક્કસ ‘હમરાઝ 2’ બનાવીશ. અમને એવી સ્ક્રિપ્ટ જોઈએ જેમાં બન્ને કલાકારો પાત્ર માટે સંપૂર્ણ રીતે ફિટ બેસે અને તેમની ઉંમર અનુસાર ભૂમિકાઓ લખાય. ભૂતકાળમાં બૉબી અને અક્ષય બન્ને સાથે કામ કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો છે. અક્ષય હાલમાં જે અપ્રતિમ સફળતા જોઈ રહ્યો છે એ પછી તેણે થોડો બ્રેક લેવો જોઈએ.’
‘હમરાઝ 2’ વિશે વાત કરતાં રતન જૈને કહ્યું હતું કે ‘હું અક્ષયને મળવાનો પ્રયાસ કરીશ. મારી અક્ષય સાથે સારી મિત્રતા છે અને અક્ષય વધુ સારી ફિલ્મો ડિઝર્વ કરે છે. અક્ષય હંમેશાં ફિલ્મોને લઈને બહુ સિલેક્ટિવ રહ્યો છે. તેના માટે પૈસા સૌથી મહત્ત્વપૂર્ણ નથી. જો તેને સ્ક્રિપ્ટ પસંદ ન આવે તો તે ફિલ્મ સીધી રિજેક્ટ કરી દે છે.’