11 April, 2026 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના સેટ પર સાથે ફોન પણ નથી રાખતો અને સામેથી વાત શરૂ નથી કરતો
‘ધુરંધર’ની રિલીઝને ચાર મહિના કરતાં વધારે સમય થઈ ગયો હોવા છતાં ફિલ્મમાં રહમાન ડકૈતનો રોલ કરનાર અક્ષય ખન્નાની લોકપ્રિયતા આજે પણ યથાવત્ છે. અક્ષયની ઇમેજ છે કે તે થોડો કડક સ્વભાવનો અને બહુ ઓછું બોલે છે. હવે આ મુદ્દે ફિલ્મમાં ઉઝૈર બલોચનો રોલ કરનાર તેના સહ-અભિનેતા દાનિશ પંડોરે ખુલાસો કરતા કહ્યું હતું કે ‘અક્ષય ખન્ના વાસ્તવમાં ખૂબ જ સારો અને મિલનસાર છે. હા, તે વધારે બોલતો નથી, પરંતુ જો તમે તેને કંઈ પૂછો તો તરત જ જવાબ આપે છે. તેની ચુપ્પીને અહંકાર કે ઉદાસીનતા તરીકે ન જોવી જોઈએ. એવું નથી કે તે કોઈ સાથે વાત કરવા માગતો નથી. તે ખૂબ સારો માણસ છે, પરંતુ શૂટિંગ દરમ્યાન તે પોતાના પાત્રમાં સંપૂર્ણ રીતે ડૂબી જાય છે.’
અક્ષય ખન્નાની એક અનોખી આદત વિશે ખુલાસો કરતાં દાનિશ પંડોરે કહ્યું કે ‘કૅમેરા ચાલુ થતાં જ અક્ષય ખન્ના સંપૂર્ણપણે પોતાના પાત્રમાં બદલાઈ જાય છે. આ જ કારણ છે કે તે સેટ પર વધારે વાતચીત નથી કરતો અને એકાગ્રતા સાથે કામ કરે છે. તે શૂટિંગ દરમ્યાન મોબાઇલ ફોનનો ઉપયોગ લગભગ કરતો જ નથી અને સેટ પર ફોન લઈને બેસવાના બદલે એક ખૂણે શાંતિથી બેસવાનું પસંદ કરે છે. જ્યાં સુધી કોઈ તેની સાથે વાત ન કરે, ત્યાં સુધી તે પોતે વાત શરૂ કરતો નથી અને પોતાના અભિનય વિશે વિચારતો રહે છે. તે સોશ્યલ મીડિયા વિશે જાણકારી રાખે છે, પરંતુ પોતાના વિશે શું લખાઈ રહ્યું છે એ જોવા માટે ખાસ સક્રિય રહેતો નથી.’