22 January, 2026 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય ખન્ના
આવતી કાલે ‘બૉર્ડર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ચર્ચા છે કે આ ફિલ્મમાં ‘બૉર્ડર’નો ઍક્ટર અક્ષય ખન્ના પણ જોવા મળી શકે છે. જોકે હવે ફિલ્મની નિર્માતા નિધિ દત્તાએ આ અફવાઓ પર પોતાનો પ્રતિભાવ આપીને જણાવ્યું છે કે ‘બૉર્ડર 2’માં અક્ષય ખન્ના હોવાની વાત ખોટી છે.
નિધિએ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે ‘અક્ષય ખન્ના ‘બૉર્ડર 2’માં નથી. અમે ફિલ્મ માટે અક્ષય ખન્નાનો સંપર્ક કર્યો નથી. ‘બૉર્ડર 2’ એ ‘બૉર્ડર’ની સીક્વલ નથી. આ એક અલગ વાર્તા છે જેમાં ભારતના જવાનોની નવી વાર્તા બતાવવામાં આવશે.’
હકીકતમાં ‘બૉર્ડર 2’નું પહેલું ગીત ‘ઘર કબ આઓગે’ રિલીઝ થયું ત્યારે એક તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી. આ તસવીરમાં એક વ્યક્તિના ચહેરા પર એડિટ કરીને અક્ષય ખન્નાનો ચહેરો લગાવવામાં આવ્યો હતો. આ કારણે લોકોને લાગ્યું હતું કે અક્ષય ખન્ના ફિલ્મનો ભાગ હશે. જોકે હવે નિધિ દત્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે અક્ષય ખન્ના ‘બૉર્ડર 2’માં નજરે નહીં પડે.