19 September, 2026 02:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ઉપાડી ૨૦ સ્કૂલોને નવા રંગ-રૂપથી સજાવવાની જવાબદારી
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ૭૬મી વર્ષગાંઠ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન હેઠળ મુંબઈની ૨૦ સ્કૂલોના નવીનીકરણ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ પહેલનો હેતુ બાળકો માટે સ્કૂલોમાં વધુ સારી અને સુવિધાસભર શૈક્ષણિક જગ્યા ઊભી કરવામાં મદદ કરવાનો છે. આલિયાએ ગુરુવારે સોશ્યલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. આ સાથે તેણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પણ પાઠવી હતી. આલિયાએ કહ્યું હતું કે આ પહેલ બાળકો માટે સ્કૂલોના શૈક્ષણિક વાતાવરણને સુધારવાના પ્રયાસોને સમર્થન આપશે.
આલિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આપણા માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમારા માટે સ્વસ્થ અને પરિપૂર્ણ રહે એવી શુભકામનાઓ. બૃહન્મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવેલી ભલામણોના આધારે હું અને રણબીર મુંબઈની ૨૦ સ્કૂલોનું નવીનીકરણ કરીશું.’
‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત ૧૭ સપ્ટેમ્બરે વડા પ્રધાનના જન્મદિવસ નિમિત્તે કરવામાં આવી છે અને આ અભિયાન એક મહિના સુધી ચાલવાનું છે. નરેન્દ્ર મોદીના જન્મદિવસની સાથે તેમના જાહેર જીવનનાં પચીસ વર્ષ પૂર્ણ થવાના અવસરને ધ્યાનમાં રાખીને આ અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત વિવિધ જાહેર સેવા અને કલ્યાણકારી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.