28 August, 2025 06:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ, નવું ઘર
આલિયા ભટ્ટ અને રણબીર કપૂર બાંદરામાં ૨૫૦ કરોડ રૂપિયાનું એક નવું ઘર બનાવી રહ્યાં છે. તાજેતરમાં આ નિર્માણાધીન ઘરની તસવીરો અને વિડિયો પણ સામે આવ્યાં હતાં જે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં હતાં. હવે આલિયા ભટ્ટ તેના નિર્માણાધીન ઘરનું પરવાનગી વગર રેકૉર્ડિંગ કરનારાઓ પર ગુસ્સે થઈ ગઈ છે. આલિયાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને તેના ઘરની તસવીરો અને વિડિયો વાઇરલ કરનારાઓની ઝાટકણી કાઢી છે. આલિયાએ આને પ્રાઇવસીનું ઉલ્લંઘન ગણાવીને અપીલ કરી છે કે જે કોઈએ પણ તેમના નવા ઘરનાં વિઝ્યુઅલ્સ શૅર કર્યાં હોય એ તરત ડિલીટ કરી દે.
આલિયા ભટ્ટે પોસ્ટમાં લખ્યું છે, ‘હું સમજું છું કે મુંબઈ જેવા શહેરમાં જગ્યા મર્યાદિત છે. કેટલીક વાર તમારી બારીમાંથી બીજાના ઘરનો નજારો દેખાય છે, પરંતુ આનો અર્થ એ નથી કે કોઈને ખાનગી ઘરોના વિડિયો બનાવવાનો અને એને ઑનલાઇન મૂકવાનો અધિકાર છે. અમારા નિર્માણાધીન ઘરનો એક વિડિયો અમારી જાણકારી કે સંમતિ વગર અનેક પ્રકાશનોએ રેકૉર્ડ કરીને પ્રકાશિત કર્યો છે. આ સ્પષ્ટ રીતે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે અને આ એક સુરક્ષાનો ગંભીર મુદ્દો છે. પરવાનગી વગર કોઈની ખાનગી જગ્યાનો વિડિયો બનાવવો કે એની તસવીરો લેવી એ કન્ટેન્ટ નથી. આ એક ઉલ્લંઘન છે. આને ક્યારેય નૉર્મલ માનવું જોઈએ નહીં. જરા વિચારો, શું તમે તમારા ઘરની અંદરના વિડિયોને તમારી જાણ વગર જાહેરમાં શૅર કરવાનું સહન કરશો? આપણામાંથી કોઈ પણ આવું નહીં કરે.’
આલિયાની અપીલ
આ પોસ્ટના અંતમાં આલિયાએ અપીલ કરતાં કહ્યું છે, ‘એક વિનમ્ર પરંતુ દૃઢ અપીલ છે કે જો તમને ઑનલાઇન આવી કોઈ કન્ટેન્ટ મળે તો કૃપા કરીને એને ફૉર્વર્ડ કે શૅર ન કરો. જેમણે આ તસવીરો અને વિડિયો પોસ્ટ કર્યાં છે એ મીડિયાના અમારા મિત્રોને હું વિનંતી કરું છું કે એને તરત હટાવી દો, આભાર.’