02 July, 2026 01:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ્સ સાથે ધમાલ-મસ્તી કરતી આલિયા ભટ્ટ.
આલિયા ભટ્ટ ગઈ કાલે ગુજરાતની મહેમાન બની હતી. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલી સ્વર્ણિમ સ્ટાર્ટઅપ ઍન્ડ ઇનોવેશન યુનિવર્સિટીમાં આલિયા ભટ્ટ આવતાં સ્ટુડન્ટ્સમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. પોતાની માનીતી સ્ટારને જોવા માટે અસંખ્ય સ્ટુડન્ટ્સ એકઠા થયા હતા અને આલિયા ભટ્ટને ચિયર-અપ કરી હતી. આલિયા ભટ્ટે સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરીને પોતાની આ મુલાકાત યાદગાર બનાવી હતી.
પોતાની નવી ફિલ્મ ‘આલ્ફા’ના પ્રમોશન માટે અમદાવાદ આવેલી આલિયા ભટ્ટે સ્ટુડન્ટ્સને શીખ આપી હતી કે સપનાં મોટાં જુઓ, પડકારોને આત્મવિશ્વાસ સાથે સ્વીકારવાની તૈયારી રાખો. આલિયાએ સતત મહેનત, સમર્પણ અને આત્મવિશ્વાસથી પોતાનો લક્ષ્યાંક હાંસલ કરવાની પ્રેરણા આપી હતી. આલિયા ભટ્ટે સ્ટુડન્ટ્સ સાથે ડગઆઉટ ગેમ રમી હતી જેના કારણે યુનિવર્સિટીમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો અને સ્ટુડન્ટ્સે તેને ચિયર-અપ કર્યું હતું. એટલું જ નહીં, સ્ટુડન્ટ્સના મોબાઇલ ફોન્સ લઈને આલિયાએ સેલ્ફી પાડી આપ્યા હતા. સ્ટુડન્ટ્સે આલિયા ભટ્ટને તેની કારકિર્દી, સફળતા અને તેની લાઇફ વિશે પ્રશ્નો પૂછ્યા હતા. આલિયા ભટ્ટે જવાબ આપીને સ્ટુડન્ટ્સને ખુશ કરી દીધા હતા.
આવતી કાલે આવી રહી છે આલ્ફા
યશ રાજ ફિલ્મ્સના સ્પાય-યુનિવર્સની ‘આલ્ફા’ આવતી કાલે વિશ્વભરનાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં આલિયા ભટ્ટ સીતા નામની યુવતીનો રોલ કરે છે જેને બાળપણથી જ એક પ્રોફેશનલ કિલર તરીકે ટ્રેઇન કરવામાં આવી છે અને તે અન્ય જાસૂસ શર્વરી સાથે મળીને વિલનનો સામનો કરે છે. ફિલ્મમાં આલિયા અને શર્વરી જબરદસ્ત ફિઝિકલ ઍક્શન અને સ્ટન્ટ્સ કરતી જોવા મળશે. સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને UA 16+ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અને ફિલ્મનો કુલ સમય ૧૪૦ મિનિટ છે.