આલિયાની આલ્ફા છે હૉલીવુડની ફિલ્મ બૅલેરિનાની કૉપી?

11 June, 2026 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ સાતમી ફિલ્મ છે અને ખાસ વાત એ છે કે ‘આલ્ફા’ આ યુનિવર્સની પ્રથમ મહિલા-કેન્દ્રિત ફિલ્મ પણ છે

આલ્ફા, બૅલેરિનાનું પોસ્ટર

આલિયા ભટ્ટની ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સની આ સાતમી ફિલ્મ છે અને ખાસ વાત એ છે કે ‘આલ્ફા’ આ યુનિવર્સની પ્રથમ મહિલા-કેન્દ્રિત ફિલ્મ પણ છે. ટીઝરમાં આલિયાએ પોતાના દમદાર અભિનય અને ઍક્શન સીક્વન્સથી ફૅન્સને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો છે પણ કેટલાક દર્શકોએ ફિલ્મના ટીઝર પર નકલ કરવાના આરોપો પણ લગાવ્યા છે.

‘આલ્ફા’ના ૧ મિનિટ ૫૫ સેકન્ડના ટીઝરને જોઈને કેટલાક લોકો એને ૨૦૨૫માં રિલીઝ થયેલી હૉલીવુડની ઍક્શન-રોમૅન્ટિક ફિલ્મ ‘બૅલેરિના’ની નકલ ગણાવી રહ્યા છે. આ ટીઝરના કમેન્ટ સેક્શન પર નજર કરીએ તો ફિલ્મને વખાણ કરતાં ટ્રોલિંગ અને ટીકા વધુ મળી રહ્યાં હોવાનું જોવા મળે છે અને હૉલીવુડ ફિલ્મ ‘બૅલેરિના’ સાથે એની સરખામણી કરીને અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર મીમ્સ અને ટિપ્પણીઓ શૅર કરી છે. જોકે આલિયાના ફૅન્સ દલીલ કરી રહ્યા છે કે માત્ર ટીઝરના આધારે ફિલ્મ વિશે અંતિમ અભિપ્રાય આપવો યોગ્ય નથી.

શર્વરી વાઘ ક્યાં છે?

‘આલ્ફા’માં આલિયા ભટ્ટ સાથે બૉબી દેઓલ અને શર્વરી વાઘ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે ટીઝર રિલીઝ થતાં જ ચાહકોએ એમાં શર્વરીની ગેરહાજરીની નોંધ લઈને આ મામલે સવાલ કર્યા છે. ટીઝરમાં શર્વરીની ગેરહાજરી ચર્ચાનો મુદ્દો બની ગઈ છે. ફિલ્મના ૧ મિનિટ પંચાવન સેકન્ડના ટીઝરમાં માત્ર આલિયા અને બૉબી દેઓલને જ દર્શાવવામાં આવ્યાં છે અને શર્વરીનો એક પણ શૉટ નથી. સોશ્યલ મીડિયા પર યુઝર્સ આ મુદ્દે સતત પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા ચાહકોનું કહેવું છે કે ટીઝરમાં શર્વરીને ન દર્શાવવાનું કોઈ ખાસ કારણ હોઈ શકે છે અને કદાચ એના પાત્રનો પરિચય શર્વરીના ૧૪ જૂને આવનારા જન્મદિવસે કરાવવામાં આવશે. 

આલ્ફાની સીક્વલ પણ બનશે?: શાહરુખે ફિલ્મના ટીઝર પર કરેલી કમેન્ટ પછી આવી ચર્ચા ચાલી રહી છે

આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ ‘આલ્ફા’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. આ ટીઝર રિલીઝ થયા બાદ હવે શાહરુખ ખાને પણ એના પર પ્રતિક્રિયા આપી છે અને તેની કમેન્ટને કારણે ફૅન્સમાં ફિલ્મની સીક્વલને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. શાહરુખે સોશ્યલ મીડિયા પર ‘આલ્ફા’નું ટીઝર શૅર કરીને આલિયા ભટ્ટ અને બૉબી દેઓલ બન્નેની પ્રશંસા કરી હતી અને લખ્યું હતું કે ‘ખૂબ સરસ આલિયા. દિલ તોડવાથી લઈને હાડકાં તોડવા સુધી, તારી સ્કિલ સતત વધી રહી છે. આશા છે કે ‘આલ્ફા’ લોકોના દિલ જીતી લેશે અને સીક્વલ માટે કેટલાક વિલનને પણ બચાવી રાખશે. જાઓ અને કમાલ કરી બતાવો, સિગ્મા ગર્લ! લૉર્ડ બૉબી, જ્યારે તું નેગેટિવ રોલ કરે છે ત્યારે અદ્ભુત લાગે છે. ઘણો પ્રેમ.’ શાહરુખના આ સંદેશમાં સીક્વલનો ઉલ્લેખ થતાં હવે ચાહકો અંદાજ લગાવી રહ્યા છે કે ભવિષ્યમાં ‘આલ્ફા’નો બીજો ભાગ પણ બની શકે છે. જોકે ફિલ્મની સીક્વલ બનશે કે નહીં એ વિશેનો અંતિમ નિર્ણય નિર્માતાઓ પર નિર્ભર રહેશે.

alia bhatt yash raj films upcoming movie teaser release bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news sharvari wagh Shah Rukh Khan