✕

મને લગ્નજીવનમાં પીડિત મહિલા તરીકે દેખાડવી અપમાનકજનક

24 November, 2026 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આલિયા ભટ્ટે સ્પષ્ટતા કરી કે મારાં લગ્ન પરંપરાગત વિચારસરણી પ્રમાણે નથી એટલે કદાચ આવી ચર્ચા વધારે થાય છે

આલિયા ભટ્ટ

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરનાં લગ્નને લગભગ ૪ વર્ષ થઈ ચૂક્યાં છે, પણ સોશ્યલ મીડિયા પર તેમના સંબંધોને લઈને ચર્ચાઓ અટકવાનું નામ લેતી નથી. બન્ને સાથે જોવા મળે કે કોઈ ઇન્ટરવ્યુમાં તેમની કોઈ વાત સામે આવે એટલે લોકો પોતાના હિસાબે તેમના સંબંધોનું વિશ્ળેષણ કરવા લાગે છે. ઘણી વખત તો આલિયાને એવા લગ્નજીવનમાં રહેતી મહિલા તરીકે રજૂ કરવામાં આવે છે જ્યાં તેને પોતાની મરજી અને પસંદગી સાથે સમાધાન કરવું પડે છે. હવે આલિયાએ આ અટકળો પર ખૂલીને પ્રતિક્રિયા આપી છે. તેણે સ્પષ્ટ કહ્યું છે કે અજાણ્યા લોકો દ્વારા ઘડી કાઢવામાં આવેલી આવી વાતોમાં તેને લાચાર મહિલા તરીકે દર્શાવવું અપમાનજનક છે.

વિખ્યાત અમેરિકન મૅગેઝિન ‘ટાઇમ’ દ્વારા ભારતનાં નવી પેઢીનાં ૧૦૦ દમદાર વ્યક્તિત્વોની યાદીમાં હાલમાં આલિયાને સ્થાન મળ્યું છે ત્યારે તેને રણબીર કપૂર સાથેના તેના સંબંધોને લઈને સોશ્યલ મીડિયા પર સતત થતી ચર્ચાઓ વિશે સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં પોતાનો મુદ્દો રજૂ કરતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું હંમેશાં મહિલાઓને પોતાના વિચારો અને લાગણીઓને સમજવા તેમ જ પોતાની વાત રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરતી આવી છું. આવી સ્થિતિમાં જો મને કોઈ કાલ્પનિક પરિસ્થિતિમાં પીડિત મહિલા તરીકે દર્શાવે તો મને એ અપમાનજનક લાગે છે. કદાચ મારા સંબંધો વિશે આવી વાતો એટલા માટે થાય છે કારણ કે મારાં લગ્ન પરંપરાગત વિચારસરણી અને લગ્નજીવન વિશેની પ્રચલિત માન્યતાઓ પ્રમાણે નથી. કોઈ પણ સંબંધનો પાયો એ છે કે તમે કંઈ પણ કહ્યા વિના પણ એવું અનુભવો કે સામેની વ્યક્તિ તમને સમજે છે અને તમારી વાત સાંભળે છે. રણબીર સાથેનો મારો સંબંધ આવો જ છે અને આ જ અમારી વાસ્તવિકતા છે.’

bollywood buzz bollywood news bollywood bollywood gossips entertainment news alia bhatt ranbir kapoor relationships