આલિયાનો દાવ અવળો પડ્યો

14 May, 2025 10:36 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોશ્યલ મીડિયા પર દેશના જવાનો વિશે ઇમોશનલ પોસ્ટ કરી, પણ મોડી-મોડી ચુપકીદી તોડી હોવાને કારણે ટ્રોલ થઈ, છેલ્લા કેટલાક દિવસો દેશ માટે કટોકટીભર્યા રહ્યા.

આલિયા ભટ્ટ અને તેણે મોડી કરેલી પોસ્ટની તસવીરોનો કૉલાજ

છેલ્લા કેટલાક દિવસો દેશ માટે કટોકટીભર્યા રહ્યા. બાવીસમી એપ્રિલે પહલગામ અટૅકથી શરૂ થયેલો આ સિલસિલો ઑપરેશન સિંદૂરથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાંઓના નાશથી આગળ વધ્યો. એ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ભારે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો અને બન્ને દેશ એકબીજા પર ડ્રોન અને મિસાઇલ હુમલા કરી રહ્યા હતા. આખરે યુદ્ધવિરામની જાહેરાત પછી આ સિલસિલો અટક્યો છે. આ પરિસ્થિતિમાં ભારતે જ્યારે ઑપરેશન સિંદૂર હાથ ધર્યું ત્યારે ઘણા ભારતીય ફિલ્મી સ્ટાર્સ પહેલા દિવસથી દેશ સાથે ઊભા રહ્યા પરંતુ અમિતાભ બચ્ચન તેમ જ આલિયા ભટ્ટ જેવા ઘણા સ્ટાર્સ આ પ્રસંગે મૌન રહ્યાં અને તેમની ચુપકીદીથી લોકોને ભારે આંચકો લાગ્યો હતો. 

હવે ઑપરેશન સિંદૂરનો અંત આવી ગયો છે ત્યારે અમિતાભ જેવા ઘણા કલાકારો પોતાનાં મંતવ્યો રજૂ કરી રહ્યા છે. હવે આ યાદીમાં આલિયાનું નામ પણ જોડાયું છે. હાલમાં આલિયાએ સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક લાંબી અને ભાવનાત્મક નોટ શૅર કરી છે જેમાં તેણે પોતાના હૃદયની વાત વ્યક્ત કરી છે. આ પોસ્ટમાં આલિયાએ ભારતીય જવાનોનાં માતા-પિતાની લાગણી વિશે તેમ જ જવાનોની સાહસિકતા વિશે વાત કરી છે. 

જોકે આ નોટ શૅર કર્યા પછી તે ટ્રોલિંગનો શિકાર બની અને લોકો તેના પર ગુસ્સે ભરાયા  છે. લોકોનું કહેવું છે કે તેણે પોતાની ચુપકીદી એક પીઆર સ્ટન્ટ હેઠળ તોડી છે. હકીકતમાં આલિયા ફ્રાન્સમાં યોજાઈ રહેલા કાન ફેસ્ટિવલમાં ભાગ લેવા જઈ રહી છે ત્યારે આંતરરાષ્ટ્રીય મંચ પર બદનામી થાય એ પહેલાં તેણે પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટે નેટિઝન્સને બે જૂથમાં વહેંચી દીધા છે. કેટલાકે આલિયાની પ્રશંસા કરી, જ્યારે ઘણા તેને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. એક સોશ્યલ મીડિયા યુઝરે દાવો કર્યો છે કે ‘પીઆર ટીમ દ્વારા શાનદાર કામ. કાન ફેસ્ટિવલ માટે ઇમેજ બિલ્ડિંગ. ગ્રાઉન્ડબ્રેકિંગ પગલું.’ બીજા એક યુઝરે ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું છે, ‘જ્યારે તક આવી ત્યારે તમે દેશ સાથે નહોતાં, તમારી મમ્મી દેશ વિરુદ્ધ અભિયાન ચલાવી રહી હતી, પહેલાં તેમને સમજાવો.’

આલિયાએ કાન ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાનું છેલ્લી ઘડીએ કૅન્સલ કર્યું
ભારત-પાકિસ્તાન વચ્ચે વધતા તનાવને ધ્યાનમાં રાખીને ઇવેન્ટમાં હાજરી ન આપવાનો નિર્ણય લીધો

alia bhatt bollywood buzz bollywood news bollywood entertainment news operation sindoor indian army indian air force indian navy cannes film festival bollywood gossips