17 July, 2026 03:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આલિયા ભટ્ટ ફેક પોસ્ટ
આલિયા ભટ્ટ અને શર્વરીની ‘આલ્ફા’ આક્રમક માર્કેટિંગ કેમ્પેઇન છતાં બૉક્સ-ઑફિસ પર ખાસ અસર પાડી શકી નહોતી. ફિલ્મને વિવેચકો તરફથી પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ માટે આલિયાને સોશ્યલ મીડિયા પર ટ્રોલિંગનો પણ સામનો કરવો પડ્યો હતો. આ સંજોગોમાં હાલમાં હવે એક સ્ક્રીનશૉટ તમામ પ્લૅટફૉર્મ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે, જેને ઘણા લોકો આલિયાની સોશ્યલ મીડિયા પોસ્ટ માની રહ્યા હતા.
આ પોસ્ટમાં લખવામાં આવ્યું હતું કે ‘મારી ફિલ્મને ફ્લૉપ કહેતા લોકો, તમે શું છો? હું તો કંઈ કર્યા વગર પણ અવૉર્ડ ખરીદી લઈશ, પણ તમારું શું? ‘તુમ્બાડ 2’ પણ મને મળી, તમને શું મળ્યું? કોઈ એક યુવતીની સફળતા જોઈ શકતું નથી. મારા પર કરણ જોહરનો હાથ છે. મારો બાપ પણ મારું કંઈ બગાડી શકતો નથી.’ જોકે હવે આ સ્ટોરી સોશ્યલ મીડિયા પર જોવા મળતી નથી. તપાસ પછી ખબર પડી છે કે આલિયાના નામે ફરી રહેલી આ પોસ્ટ ફેક છે અને આલિયાએ ક્યારેય સોશ્યલ મીડિયામાં આવી પોસ્ટ નથી કરી.