`પુષ્પા 2: ધ રૂલ`ના અલ્લુ અર્જુનની ધરપકડ, હૈદરાબાદ પોલીસે પહેરાવી હથકડી

13 December, 2024 03:13 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Online Correspondent

Allu Arjun Arrested: હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં `પુષ્પા 2: ધ રૂલ`ના સ્ક્રિનિંગ દરમિયાન થયેલી ભાગદોડના પગલે અભિનેતા અલ્લુ અર્જુનની ધરપકડ

અલ્લુ અર્જુનની ફાઇલ તસવીર

વિશ્વભરમાં ફિલ્મ `પુષ્પા 2: ધ રૂલ` (Pushpa 2: The Rule)ની ગર્જના વચ્ચે અભિનેતા અલ્લુ અર્જુન (Allu Arjun)ની ધરપકડ (Allu Arjun Arrested) કરવામાં આવી છે. હૈદરાબાદ પોલીસ (Hyderabad Police)એ અભિનેતા અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી છે. પુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનની પૂછપરછ બાદ હૈદરાબાદ પોલીસે ધરપકડ કરી છે. થોડા સમય પહેલા સમાચાર આવ્યા હતા કે પોલીસ તેના ઘરે પહોંચી ગઈ છે અને ત્યારબાદ અભિનેતાને કારમાં પોલીસ સ્ટેશન લઈ જતો જોવા મળ્યો હતો. હવે પોલીસે પોતે પુષ્ટિ કરી છે કે આ કેસમાં અભિનેતાની ધરપકડ કરવામાં આવી છે.

અલ્લુ અર્જુનની આ ધરપકડ ૪ ડિસેમ્બરની ઘટના સાથે સંબંધિત છે. `પુષ્પા 2: ધ રૂલ`નું ૪ ડિસેમ્બરે હૈદરાબાદ (Hyderabad)ના સંધ્યા થિયેટર (Sandhya Theatre)માં દર્શાવવામાં આવી હતી. પુષ્પા-2 ફિલ્મના પ્રીમિયર દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું હતું. આ જ સંબંધમાં અલ્લુ અર્જુન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. હૈદરાબાદ નાસભાગ કેસમાં જ પોલીસે કાર્યવાહી કરીને અલ્લુ અર્જુનની ધરપકડ કરી છે. પોલીસનો આરોપ છે કે અલ્લુ અર્જુન પોલીસને જાણ કર્યા વિના પ્રીમિયરમાં ગયો હતો.

ફિલ્મની રિલીઝ પહેલા હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જ્યાં અભિનેતાને જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી. આ પછી પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો જેના કારણે નાસભાગ મચી ગઈ. આ દરમિયાન રેવતી નામની ૩૫ વર્ષની મહિલાનું મોત થયું હતું. આ અકસ્માતમાં મહિલાનો ૧૩ વર્ષનો પુત્ર પણ ઘાયલ થયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી, પોલીસે મહિલાના પરિવાર દ્વારા ૫ ડિસેમ્બરે નોંધાવેલી ફરિયાદના આધારે અલ્લુ અર્જુન, તેની સુરક્ષા ટીમ અને થિયેટર મેનેજમેન્ટ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. અભિનેતા પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 105 અને 118 (1) હેઠળ ચિક્કડપલ્લી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

આ મામલે અભિનેતા અલ્લુ અર્જુને તેલંગાણા હાઈકોર્ટ (Telangana High Court)નો સંપર્ક કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, સુપરસ્ટાર અલ્લુ અર્જુને બુધવારે તેલંગાણા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેમાં તેણે મહિલાના મોતના મામલામાં તેની સામે નોંધાયેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી હતી. તેણે અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી ધરપકડ અને અન્ય કાનૂની કાર્યવાહી પર રોક લગાવવા વિનંતી કરી હતી. હાઈકોર્ટે હજી સુધી આ મામલે સુનાવણી કરી નથી.

તમને જણાવી દઈએ કે, અભિનેતા અલ્લુ અર્જુને મૃતક મહિલાના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેણે વળતરની પણ જાહેરાત કરી હતી. અભિનેતાએ પરિવારને ૨૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે, `પુષ્પા 2`ની કમાણી તેના પ્રથમ સપ્તાહને પાર કરી ગઈ છે. એક અઠવાડિયામાં વિશ્વભરમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારી ફિલમ છે. ફિલ્મે તેની વિશ્વભરમાં કમાણી કરીને હલચલ મચાવી છે, ત્યારે તેની કમાણી હિન્દીમાં પણ સૌથી મજબૂત બની રહી છે. આઠમાં દિવસની કમાણી સાથે `પુષ્પા 2`ની હિન્દી કમાણી 425.6 કરોડ રૂપિયાની નજીક છે.

allu arjun pushpa hyderabad telangana entertainment news bollywood bollywood news