12 June, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘આલ્ફા’નું કુલ બજેટ આશરે ૮૦ કરોડ રૂપિયા છે
આલિયા ભટ્ટ હાલમાં ત્રીજી જુલાઈએ રિલીઝ થનારી પોતાની આગામી ફિલ્મ ‘આલ્ફા’ને લઈને ચર્ચામાં છે. યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો ભાગ બનેલી આ ફિલ્મનું ટીઝર ૧૦ જૂને રિલીઝ કરવામાં આવ્યું હતું. ‘આલ્ફા’ યશરાજ સ્પાય યુનિવર્સની પ્રથમ મહિલા-કેન્દ્રિત ફિલ્મ છે. ફિલ્મમાં આલિયા ઉપરાંત શર્વરી વાઘ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે અને બૉબી દેઓલ પણ ફિલ્મનો ખાસ ભાગ છે. શર્વરીની ઝલક ટીઝરમાં જોવા મળી નહોતી પણ મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં તે પાકિસ્તાની જાસૂસના રોલમાં જોવા મળશે.
બજેટની વાત કરીએ તો ‘આલ્ફા’નું કુલ બજેટ આશરે ૮૦ કરોડ રૂપિયા છે. આલિયાએ ફિલ્મ માટે ૨૫ કરોડ રૂપિયાથી ૩૦ કરોડ રૂપિયા વચ્ચેની ફી લીધી છે. એટલે કે ફિલ્મના કુલ બજેટનો લગભગ ત્રીજો ભાગ માત્ર તેની ફી પાછળ ખર્ચાયો છે. આ સિવાય શર્વરીએ ‘આલ્ફા’ માટે ૩ કરોડ રૂપિયા ફી લીધી છે. મુખ્ય સ્ટારકાસ્ટમાં તેને સૌથી ઓછી ફી મળી છે. બૉબીને આ ફિલ્મમાં કામ કરવા માટે શર્વરી કરતાં બમણી ફી મળી છે. તેણે ફિલ્મ માટે ૬ કરોડ રૂપિયા ચાર્જ કર્યા હોવાનું કહેવાય છે.