17 June, 2026 03:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
‘આલ્ફા’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ
યશરાજ ફિલ્મ્સ (Yash Raj Films ની મોસ્ટ અવેટેડ સ્પાય થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ (Alpha)ની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બ્લોકબસ્ટર ‘YRF સ્પાય યુનિવર્સ’ (YRF SPY Universe)ની આ પ્રથમ મહિલા લીડ ફિલ્મ હોવાના કારણે સિનેમાપ્રેમીઓમાં તેની ભારે ઉત્સુકતા હતી. મેકર્સે આખરે આ ફિલ્મનું રોમાંચક ટ્રેલર રિલીઝ (Alpha Trailer Out) કરી દીધું છે, જે ખતરનાક શાર્પશૂટર્સ, હાઈ-પ્રોફાઈલ મિશન, દગો અને જબરદસ્ત એક્શનથી ભરપૂર દુનિયાની ઝલક દર્શાવે છે. આલિયા ભટ્ટ (Alia Bhatt) અને શર્વરી (Sharvari Wagh)ના મુખ્ય અભિનય સાથે ‘આલ્ફા’ આ સ્પાય યુનિવર્સમાં એક નવો અને શક્તિશાળી અધ્યાય ઉમેરવા માટે તૈયાર છે.
યશરાજ ફિલ્મ્સના આ હાઈ-ઓક્ટેન પોપકોર્ન એન્ટરટેનરમાં આલિયા ભટ્ટ અને શર્વરી અસલી ‘આલ્ફા’ અંદાજમાં જોવા મળશે. ટ્રેલરમાં આ બે નીડર અને સાહસી યુવતીઓની રોમાંચક ઓરિજિન સ્ટોરીને ખૂબ જ સ્ટાઇલિશ વિઝ્યુઅલ્સ અને શ્વાસ થંભાવી દે તેવા એક્શન સીન્સ સાથે રજૂ કરવામાં આવી છે, જે બોલિવૂડમાં મહિલા કેન્દ્રિત એક્શન ફિલ્મોને એક નવો આયામ આપશે.
ટ્રેલરમાં અભિનેતા બોબી દેઓલ (Bobby Deol)ના પાત્રની પણ ઊંડી ઝલક જોવા મળી છે, જે આલિયા ભટ્ટના પાત્રના એક નિર્દયી મેન્ટર (ગુરુ)ની ભૂમિકા ભજવી રહ્યો છે. આલિયા એક એવી અસાસિન (પ્રોફેશનલ કિલર) બનેલી છે જેને બાળપણથી જ માત્ર હત્યા કરવાની તાલીમ આપવામાં આવી છે, પરંતુ સમય જતાં તે પોતાના જ ગુરુ સામે આમને-સામનેની લડાઈ લડતી જોવા મળે છે. બોબી દેઓલની આ નકારાત્મક અને ડરામણી હાજરી ફિલ્મની વાર્તાની ગંભીરતાને વધુ મજબૂત બનાવે છે.
ફિલ્મમાં અનિલ કપૂર (Anil Kapoor)ની પણ એક રસપ્રદ અને પ્રભાવશાળી ઝલક બતાવવામાં આવી છે, જેનો સીધો સંબંધ આ રહસ્યમય ‘આલ્ફા પ્રોગ્રામ’ સાથે હોવાનો સંકેત મળે છે. તેની હાજરી વાર્તાના કેન્દ્રમાં રહેલા કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે, જે ભવિષ્યમાં YRF સ્પાય યુનિવર્સની અન્ય ફિલ્મો સાથે પણ કનેક્ટ થઈ શકે છે.
રોમાંચક એક્શનની સાથે-સાથે આ ફિલ્મમાં એક મજબૂત ભાવનાત્મક સંઘર્ષ પણ જોવા મળશે. અભિનેત્રી આલિયા ભટ્ટનું પાત્ર માત્ર બહારના દુશ્મનો સામે જ નહીં, પરંતુ તેના મેન્ટર સાથે જોડાયેલા પોતાના દર્દનાક ભૂતકાળ સામે પણ લડી રહ્યું છે. ફિલ્મની વાર્તામાં છુપાયેલું આ રહસ્ય દર્શકોને જકડી રાખશે.
ફિલ્મમાં શર્વરી વાઘના પાત્રને જાણી જોઈને રહસ્યમાં રાખવામાં આવ્યું છે, છતાં ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે તે વાર્તાનો એક ખૂબ જ મહત્વપૂર્ણ હિસ્સો છે. તે બોબી દેઓલના પાત્રને કોઈપણ ભોગે રોકવાના મિશનમાં આલિયા ભટ્ટ સાથે હાથ મિલાવતી અને ખભેથી ખભા મિલાવીને લડતી જોવા મળશે.
‘આલ્ફા’ના જોરદાર એક્શન સીન્સને વધુ પાવરફુલ બનાવે છે તેનો બેકગ્રાઉન્ડ સ્કોર. ટ્રેલરમાં વિશ્વભરમાં ધૂમ મચાવનાર પ્રખ્યાત ડીજે હ્યુગલ (DJ HUGEL)નું ગ્લોબલ ચાર્ટબસ્ટર ટ્રેક ‘જમૈકન બામ બામ’ (Jamaican Bam Bam) સામેલ કરવામાં આવ્યું છે, જે દર્શકોમાં એક અલગ જ ઉર્જા ભરી દે છે.
શિવ રવૈલ (Shiv Rawail)ના નિર્દેશનમાં બનેલી ‘આલ્ફા’ વર્ષ ૨૦૨૬ની સૌથી મોટી અને પ્રતીક્ષિત ફિલ્મોમાંની એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરના એક્શન અને બે નીડર મહિલાઓની આ વાર્તા ૩ જુલાઈ ૨૦૨૬ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે.