✕

અમિત શાહ હૈદરાબાદમાં ચિરંજીવી અને રામચરણને મળ્યા

04 November, 2026 02:27 PM IST  |  Hyderabad | Gujarati Mid-day Correspondent

પિતા-પુત્રએ કેન્દ્રીય ગૃહપ્રધાન સમક્ષ AI અને ડીપફેકના વધતા જતા દુરુપયોગ વિશે ચર્ચા કરી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે હૈદરાબાદમાં ચિરંજીવી અને તેના દીકરા રામચરણ તેજા સાથે મુલાકાત કરી હતી

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોમવારે હૈદરાબાદમાં ચિરંજીવી અને તેના દીકરા રામચરણ તેજા સાથે મુલાકાત કરી હતી. હૈદરાબાદમાં ચિરંજીવીના નિવાસસ્થાને યોજાયેલી આ મુલાકાત વખતે અમિત શાહનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેમને એક મૂર્તિ અને શાલ ભેટ આપવામાં આવી હતી. આ મુલાકાત વખતે કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી પણ હાજર રહ્યા હતા. અમિત શાહની આ મુલાકાતનો હેતુ શરૂઆતમાં સ્પષ્ટ નહોતો, પણ રામચરણ તેજાએ સોશ્યલ મીડિયા પર મુલાકાતની તસવીરો શૅર કરીને જણાવ્યું હતું કે તેણે અમિત શાહ સમક્ષ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેકના વધતા જતા દુરુપયોગ વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી.

રામચરણ તેજાએ સોશ્યલ મીડિયામાં આ મુલાકાતની તસવીરો શૅર કરીને નોંધ લખી હતી કે ‘મારા પિતા ચિરંજીવી ગારુ સાથે માનનીય કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળવાનું સન્માન પ્રાપ્ત થયું. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) અને ડીપફેક ટેક્નૉલૉજીના વધતા દુરુપયોગ તથા કલાકારો અને સમગ્ર મનોરંજન ઉદ્યોગ પર એની ગંભીર અસરો વિશેની અમારી ચિંતાઓને તેમણે જે રીતે સમજી અને હકારાત્મક પ્રતિસાદ આપ્યો એનાથી મને પ્રોત્સાહન મળ્યું છે. સરકાર આ મામલે તાત્કાલિક ધ્યાન આપશે અને આવા દુરુપયોગને રોકવા માટે વધુ મજબૂત સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની સાથે કડક કાર્યવાહી કરવાની દિશામાં કામ કરશે એવી તેમણે ખાતરી આપી છે. આ આશ્વાસન ખરેખર પ્રોત્સાહક છે. અમને સમય આપવા, અમારી વાત સમજવા અને સહકાર આપવા બદલ તેમનો આભાર.’

amit shah political news indian politics chiranjeevi ram charan sunrisers hyderabad entertainment news social media bollywood news bollywood gossips bollywood ai artificial intelligence