✕

કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ અટક્યા બાદ ૧૧ નવેમ્બર પછી ફરી સેટ પર પાછા ફરશે

09 November, 2026 07:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાથ સાથ નથી આપી રહ્યો, એટલે દિવાળી ગિફ્ટ મોકલનારા ચાહકોનો પત્ર લખીને આભાર ન માની શકવા બદલ માફી માગી અમિતાભ બચ્ચને

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચને તબિયતની નાદુરસ્તી વચ્ચે પોતાના બ્લૉગ પર દિવાળીની શુભેચ્છાઓ પાઠવવાની સાથે ચાહકો સમક્ષ દિલ ખોલીને વાત કરી છે. તેમણે દિવાળી પર ભેટ-સોગાદો મોકલનારા તમામ શુભેચ્છકોનો આભાર માન્યો હતો, પરંતુ હાથમાં તકલીફ હોવાને કારણે દરેકને વ્યક્તિગત પત્ર લખીને જવાબ ન આપી શકવા બદલ દિલગીરી વ્યક્ત કરી હતી.
૮૪ વર્ષના અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગ પર લખ્યું હતું કે "મને શુભેચ્છકો તરફથી એટલી બધી ભેટ મળી રહી છે કે હવે એ રાખવાની જગ્યા ખૂટી પડી છે. આ ભેટને યોગ્ય રીતે ન સાચવવી એ તેમનો અનાદર ગણાય, તેથી દરેક પ્રત્યે આભાર વ્યક્ત કરું છું. હું દરેકને જાતે પત્ર લખીને જવાબ આપવા માગતો હતો. જોકે લખવાના હાથમાં અસ્વસ્થતા અને દુખાવો હોવાથી વિલંબ થઈ રહ્યો છે, જે બદલ હું દિલથી માફી માગું છું."
તેમણે ઉમેર્યું હતું કે તાજેતરના દિવસોમાં તેમણે સ્વાસ્થ્યની સમસ્યાઓને કારણે વારંવાર માફી માગવી પડી રહી છે. 
બિગ બીની તબિયત લથડતાં લોકપ્રિય ક્વિઝ શો `કૌન બનેગા કરોડપતિ` (KBC)નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું અને ચૅનલે નવા એપિસોડ્સનું પ્રસારણ પણ થોડા સમય માટે રોકી દીધું હતું. જોકે હવે તેઓ ધીમે-ધીમે નિયમિત રૂટીનમાં પાછા ફરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ ૧૧ નવેમ્બર પછી ફરીથી શૂટિંગ શરૂ કરશે અને ૧૬ નવેમ્બરથી ટીવી પર નવા એપિસોડ્સ પ્રસારિત થવાની શક્યતા છે.

amitabh bachchan bollywood buzz kaun banega crorepati bollywood news bollywood gossips bollywood entertainment news