17 November, 2025 02:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પૌત્રી આરાધ્યા સાથે અમિતાભ બચ્ચન
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની દીકરી આરાધ્યાની ગઈ કાલે ચૌદમી વર્ષગાંઠ હતી. દાદા અમિતાભે શનિવારે પોતાના બ્લૉગમાં આરાધ્યાને પ્રેમભરી શુભેચ્છા પાઠવી હતી. આરાધ્યાના જન્મદિવસના પ્રસંગે પ્રેમાળ દાદા અમિતાભે આરાધ્યા માટે દિલને સ્પર્શી જાય એવી પોસ્ટ લખી હતી, ‘નાનકડી આરાધ્યાના જન્મદિવસના અવસરની પૂર્વસંધ્યાએ આશીર્વાદ... આપણા બધાની અંદરનું બાળક સમયની સાથે મોટું થતું જાય છે અને આપણે તેને સર્વોત્તમ માટે શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને એ જ પ્રાર્થના કરીએ છીએ. આજે પ્રિયજનના જન્મની પૂર્વસંધ્યા છે. હંમેશાં આશીર્વાદ જ આશીર્વાદ.’
આરાધ્યાના જન્મદિવસની ખુશી વચ્ચે પણ અમિતાભ બચ્ચન તાજેતરમાં ગુમાવેલા સાથીદારોને યાદ કરવાનું ભૂલ્યા નથી. આ દુઃખ વ્યક્ત કરતાં અમિતાભે લખ્યું હતું, ‘છેલ્લા થોડા દિવસોમાં ઘણું વધારે ખોયાનું દુઃખ સહન કરવું પડ્યું છે. જે થયું એની ઘણી વેદના છે, પરંતુ જીવન આગળ વધતું રહે છે... એવી જ રીતે વધવું જોઈએ જેવી રીતે જીવન અને સમયની સફરમાં હંમેશાં થતું આવ્યું છે. આપણી પ્રાર્થનાઓ ચાલુ રહે છે. આપણે જીવીએ છીએ, અનુભવીએ છીએ, મજબૂત બનીએ છીએ અને જીવનની અડચણોને પાર કરતા જઈએ છીએ. આ આપણો હિસાબ-કિતાબ અને વિશ્વાસ છે... અને શો ચાલુ જ રહે છે.’