23 July, 2026 03:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
હાલમાં અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં સર્જરી, ICU અને રિકવરી વિશે લખ્યા બાદ તેમના સ્વાસ્થ્ય વિશે ફૅન્સ ચિંતા કરવા લાગ્યા હતા. હવે ૮૩ વર્ષીય અમિતાભે સ્પષ્ટ કર્યું કે તેમના લખાણનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો અને તેમની કોઈ સર્જરી થઈ નથી.
આ સમગ્ર મામલો સ્પષ્ટ કરતાં અમિતાભે કહ્યું હતું કે ‘હું એકદમ ઠીક છું. મારી કોઈ સર્જરી થઈ નથી. આ માત્ર એક ગેરસમજ છે. હું એટલું સમજાવી રહ્યો હતો કે સર્જરી પછીનો સમય સૌથી મુશ્કેલ હોય છે. જ્યારે તમે ઘરે પરત ફરો છો ત્યારે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થવાનો પડકાર હોય છે. એ જ રીતે જ્યારે કોઈ ચૅમ્પિયન હારે છે ત્યારે સૌથી મુશ્કેલ સમય પોતાને ફરી સંભાળવાનો હોય છે. હું ફૂટબૉલ વર્લ્ડ કપમાં સ્પેન સામે આર્જેન્ટિનાની હાર અને મેસીની ગણતરી હારેલા ચૅમ્પિયન તરીકે કરવામાં આવી રહી છે એ સંદર્ભમાં આ વાત કરી રહ્યો હતો. લોકોએ માની લીધું કે હું મારા વિશે વાત કરી રહ્યો છું.’
અમિતાભ બચ્ચન હાલમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને લઈને ચર્ચામાં છે. તેમના બ્લૉગને કારણે તેમના સ્વાસ્થ્ય અંગેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી અને આ મામલે તેમણે સ્પષ્ટતા પણ કરી દીધી છે. ૮૩ વર્ષના અમિતાભ હાલમાં તો કોઈ મોટી બીમારીથી નથી પીડાઈ રહ્યા પણ તેમનું શરીર ગંભીર બીમારીઓનું ઘર છે જેની બહુ ઓછા લોકોને ખબર છે.
અમિતાભ ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘કૂલી’ના શૂટિંગ દરમ્યાન ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માત પછી
બ્લડ-ટ્રાન્સફ્યુઝન દરમ્યાન તેમના શરીરમાં હેપેટાઇટિસ-બીનો વાઇરસ પ્રવેશી ગયો હતો જેના કારણે તેમનું ૭૫ ટકા લિવર ખરાબ થઈ ગયું હતું અને આજે તેઓ માત્ર ૨૫ ટકા લિવરના સહારે જીવન જીવી રહ્યા છે. ૨૦૧૯માં તેમણે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો.
અમિતાભ અસ્થમાની સમસ્યાથી પણ પીડિત છે. એક વખત શૂટિંગ દરમ્યાન તેઓ ઇન્હેલરનો ઉપયોગ કરતા પણ જોવા મળ્યા હતા. તેઓ હંમેશાં પોતાની સાથે ઇન્હેલર રાખે છે. ઘણી વખત તેમને શ્વાસ લેવામાં તકલીફ અને શ્વાસ ફૂલવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.
અમિતાભ સ્પાઇનલ ટીબી જેવી ગંભીર બીમારીનો પણ સામનો કરી ચૂક્યા છે. આ બીમારી કરોડરજ્જુ સાથે સંબંધિત હોય છે. જોકે લાંબી સારવાર બાદ તેઓ સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા હતા. તેમને આ બીમારી વિશે ૨૦૦૦માં ‘કૌન બનેગા કરોડપતિ’ની પ્રથમ સીઝનના શૂટિંગ દરમ્યાન જાણ થઈ હતી. આ પછી ૨૦૨૩માં ‘કૌન બનેગા કરોડપતિ’માં તેમણે પોતે જ આ બીમારી વિશે વાત કરી હતી.
આ સિવાય અમિતાભ માયસ્થેનિયા ગ્રેવિસ નામની ગંભીર બીમારીમાંથી પણ બહાર આવી ચૂક્યા છે અને ‘કૌન બનેગા કરોડપતિ 15’ દરમ્યાન તેમણે આ વિશે ખુલાસો કર્યો હતો. આ બીમારીમાં સ્નાયુઓ નબળા પડી જાય છે અને છાતીમાં તથા શરીરના સ્નાયુઓમાં ભારે દુખાવો થાય છે. આ ઉપરાંત બોલવામાં અને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. ૨૦૧૮માં અમિતાભને પેટમાં અસહ્ય દુખાવો થતાં તેઓ ડૉક્ટર પાસે ગયા હતા અને એ પછી તેમની આંતરડાંની સર્જરી કરવામાં આવી હતી.