28 November, 2026 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન અને પિતા હરિવંશરાય બચ્ચન
અમિતાભ બચ્ચન તેમના પિતા અને જાણીતા કવિ હરિવંશરાય બચ્ચનની ખૂબ નજીક હતા. તેઓ અવારનવાર સોશ્યલ મીડિયા પર પિતા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા રહે છે. અમિતાભના પિતા હવે આ દુનિયામાં નથી, પણ તેમની યાદો અને શીખ આજે પણ અમિતાભની સાથે છે. ગઈ કાલે અમિતાભના પિતાની ૧૧૯મી જન્મજયંતી હતી અને આ દિવસે તેમણે પોતાના પિતાને યાદ કરીને પોતાના બ્લૉગમાં લખ્યું હતું કે ‘દિવસ અને તારીખથી થોડા આગળ રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી બીજાં કામો માટે પણ સમય મળી શકે. બીજાં કામો પણ એટલાં જ જરૂરી છે, પણ ઘણી વાર કામને વધુ પ્રાથમિકતા આપવાને કારણે આપણે સમય અને આપણા ઇરાદાને ભૂલી જઈએ છીએ. આપણે કાલે ફરી મળી શકીએ છીએ, કારણ કે પૂજ્ય બાબુજીનો જન્મદિવસ છે. તેમની યાદો દરેક પળે પરિવારની સાથે રહે છે. તેમના શબ્દો, તેમનું વર્તન અને તેમની શીખ આજે પણ સૌના જીવનનો હિસ્સો છે. હવે કહેવા માટે કંઈ ખાસ બાકી નથી, સિવાય કે તેમની યાદો દરેક પળે આપણા બધાની આસપાસ રહે છે. તેમના શબ્દો, તેમનું વર્તન અને તેમની શીખ હંમેશાં અમારી સાથે છે. તો પછી કાલે મળીશું.’
હરિવંશરાય બચ્ચન હિન્દી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. તેમને ખાસ કરીને તેમની જાણીતી કૃતિ ‘મધુશાલા’ માટે ઓળખવામાં આવે છે. આ કૃતિ ૧૯૩૫માં પ્રકાશિત થઈ હતી. તેમણે અલાહાબાદ યુનિવર્સિટીમાં અંગ્રેજીનો અભ્યાસ કર્યો હતો અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑફ ફિલોસૉફી (PhD)ની ડિગ્રી પણ મેળવી હતી. હિન્દી સાહિત્યમાં તેમના યોગદાન બદલ તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર અને ૧૯૭૬માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ ૧૯૬૬થી ૧૯૭૨ સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા. હરિવંશરાય બચ્ચનનું ૨૦૦૩ની ૧૮ જાન્યુઆરીએ મુંબઈમાં અવસાન થયું હતું.