12 May, 2025 11:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બિગ બીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક અને દેશભક્તિથી ભરેલી પોસ્ટ શૅર કરી
૨૨ એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ ૭ મેએ ઑપરેશન સિંદૂરથી ૯ આતંકી ઠેકાણાંઓને નષ્ટ કર્યાં. આ ઘટનાઓ દરમ્યાન અમિતાભ બચ્ચને ૨૨ એપ્રિલથી સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર માત્ર ખાલી ટ્વીટ્સ કર્યાં, જેમાં ફક્ત પોસ્ટ નંબરો જ લખેલા હતા પરંતુ કોઈ શબ્દો, ઇમોજી કે ભાવનાઓ નહોતાં. તેમની આ ચુપકીદીથી ચાહકો અને યુઝર્સ ભારે નારાજ થયા હતા.
હવે લગભગ ૨૦ દિવસની ચુપકીદી બાદ ૧૧ મેએ અમિતાભ બચ્ચને પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર એક ભાવુક અને દેશભક્તિથી ભરેલી પોસ્ટ શૅર કરી, જેમાં તેમણે પહલગામ હુમલા અને ઑપરેશન સિંદૂર પર પ્રતિક્રિયા આપી. તેમણે પોસ્ટમાં પોતાના પિતા હરિવંશ રાય બચ્ચનની કવિતા ‘અગ્નિપથ’ની પંક્તિઓનો ઉપયોગ લખીને આતંકવાદની નિંદા કરી અને ભારતીય સેનાના સાહસની પ્રશંસા કરી.
આ પોસ્ટમાં તેમણે પહલગામ હુમલાની એક દર્દનાક ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં આતંકવાદીઓએ એક દંપતી પર હુમલો કર્યો અને પતિને નિર્દયતાથી મારી નાખ્યો, જ્યારે પત્ની તેને વિનંતી કરતી રહી. તેમણે ઑપરેશન સિંદૂરને શાનદાર ગણાવીને સેનાને સલામ કરી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ હુમલાને સન્માન અને સુરક્ષાના પ્રતીક તરીકે રજૂ કર્યો.
અમિતાભની આ પોસ્ટે ચાહકો અને વિવેચકોનું ધ્યાન ખેંચ્યું, પરંતુ તેમની ૧૯ દિવસની ચુપ્પીએ ઘણા યુઝર્સને નારાજ કર્યા. કેટલાકે આ પોસ્ટને જનતાના દબાણ હેઠળ આવેલી પ્રતિક્રિયા ગણાવી, જ્યારે કેટલાકે ટિપ્પણી કરી કે ‘બહુ મોડું થઈ ગયું, સાહેબ.’ આમ અમિતાભ ચુપકીદી તોડીને પણ ટ્રોલિંગનો ભોગ બન્યા હતા.