22 April, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન ભલે લાંબા સમયથી ફિલ્મોથી થોડા દૂર હોય, પરંતુ તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ નિયમિત રીતે ટ્વીટ, બ્લૉગ અને ફેસબુક પોસ્ટ દ્વારા પોતાના વિચારો ચાહકો સાથે શૅર કરે છે. તેમની પોસ્ટ્સમાં ઘણી વાર ઊંડાણ અને દાર્શનિક વિચારધારા જોવા મળે છે જે લોકોને વિચારવા મજબૂર કરે છે.
હાલમાં બ્લૉગમાં અમિતાભ બચ્ચને જીવન અંગે લખ્યું કે ‘પરિસ્થિતિ કેવી પણ હોય, અંતે માણસે એકલાએ જ એનો સામનો કરવો પડે છે. સલાહ અને સૂચનો મહત્ત્વનાં હોય છે, પરંતુ અંતિમ નિર્ણય અને જવાબદારી વ્યક્તિની પોતાની જ હોય છે. માણસ જે અનુભવે છે, વિચારે છે, સહન કરે છે અને પ્રાપ્ત કરે છે... એ બધું તેની પોતાની ઓળખ છે અને અંતે માત્ર તમે જ મહત્ત્વ ધરાવો છો.’
અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં બ્રિટિશ-અમેરિકન ફિલસૂફ ઍલન વૉટ્સના વિચારોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ‘દરેક વ્યક્તિ પોતાની અંદર વિચારો, યાદો અને સંભાવનાઓનું એક બ્રહ્માંડ ધરાવે છે. માણસમાં એવી શક્તિ હોય છે જે ઘણી વાર નજરે પડતી નથી, પરંતુ મુશ્કેલીઓમાં એ જ શક્તિ તેને આગળ વધવા પ્રેરિત કરે છે. વ્યક્તિની જિજ્ઞાસા તેને નવી વસ્તુઓ શોધવા પ્રોત્સાહિત કરે છે અને તેના નિર્ણયો તથા કાર્ય તેની દુનિયા બનાવે છે.’
દરેક વ્યક્તિ પાસે પોતાની અનોખી શક્તિ હોય છે, જેને સંપૂર્ણ રીતે સમજવી મુશ્કેલ છે. આ શક્તિ વ્યક્તિનું સૌથી મજબૂત ‘હથિયાર’ હોય છે, એને પોતાની અંદર જ સાચવી રાખવું જોઈએ અને જરૂર પડ્યે એનો ઉપયોગ કરવો જોઈએ. - અમિતાભ બચ્ચન