18 October, 2025 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઓવરકૉન્ફિડન્સ સાપ જેવો છે
તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ 17 જુનિયર્સ વીક’માં ગાંધીનગરના ૧૦ વર્ષના સ્પર્ધક ઇશિત ભટ્ટે ઓવરકૉન્ફિડન્સને કારણે અમિતાભ બચ્ચન સાથે કરેલી બેઅદબી ચર્ચાનો મુદ્દો બની છે. જોકે અમિતાભે ક્યારેય ઈશિત માટે કંઈ ખોટું નથી કહ્યું. હવે અમિતાભે ઓવરકૉન્ફિડન્સ પર ચોક્કસપણે વાત કરી છે. હાલમાં આ શોના લેટેસ્ટ એપિસોડમાં મહારાષ્ટ્રના નાગપુરની રોલઓવર કન્ટેસ્ટન્ટ સ્પૃહા તુષાર શિંખેડે હૉટ સીટ પર બેઠી હતી અને ૨૫ લાખ રૂપિયા જીતી ચૂકી હતી ત્યારે અમિતાભે તેને જીવનનો એક મહત્ત્વપૂર્ણ પાઠ આપતાં ‘ઓવરકૉન્ફિડન્સ’ અને ‘હાર’ વિશે વાત કરી હતી.
અમિતાભે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘આપણે બધા બાળપણમાં સાપ-સીડીની રમત રમ્યા હોઈશું જેમાં તમે જીતવાના જ હો ત્યારે એક સાપ આવી જાય છે અને તમે રમત હારી જાઓ છો. એ સાપ રમતને સંપૂર્ણપણે બદલી શકે છે. વાસ્તવિક જીવનમાં પણ આવું થાય છે. વાસ્તવિક જીવનમાં એ સાપ છે ‘ઓવરકૉન્ફિડન્સ’ એટલે અતિશય આત્મવિશ્વાસ. બધી રમતો જીત, હાર, પુરસ્કાર, ધ્યાન, એકતા, આત્મવિશ્વાસના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત હોય છે; પણ ઓવરકૉન્ફિડન્સ તમને એક જ ઝટકામાં નીચે ઉતારી શકે છે.’