03 November, 2026 11:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને નારાજગી વ્યક્ત કરી હતી અને સાથે આક્ષેપ મૂક્યો હતો કે મીડિયા તેમના લખેલા શબ્દોને ખોટી રીતે રજૂ કરે છે. આ સાથે જ અમિતાભે તેમના પાંચ કરોડથી વધુ ફૉલોઅર્સનો ઉલ્લેખ કરીને ચેતવણી પણ આપી હતી. હકીકતમાં અમિતાભે થોડા દિવસ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણ માટે પ્રાર્થનાના રૂપમાં એક પંક્તિ લખી હતી, પણ એક ન્યુઝ વેબસાઇટે એને વિરોધીઓ તરફથી મળતી ધમકીઓ સાથે જોડીને રજૂ કરી હતી. આ વાતથી અમિતાભ નારાજ થયા છે.
અમિતાભે ગઈ કાલે વહેલી સવારે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર પોસ્ટ કરીને કહ્યું હતું કે ‘કૃષ્ણ કનૈયા માટે પ્રાર્થનાના રૂપમાં ઘણી વખત એક પંક્તિ ઉચ્ચારવામાં આવે છે, ‘હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી.’ પણ મીડિયા એનો અનાદર કરીને પોતાના પ્રચાર માટે એને આ રીતે છાપે છે કે જુઓ, અમિતાભ પોતાના વિરોધીઓને પડકાર આપી રહ્યા છે કે ‘લાવો હાથી-ઘોડા, અમે અમારાં હથિયારોથી લડીશું, ડરીશું નહીં.’ મીડિયાવાળાઓ, કાન ફાડીને સાંભળી લો. અમારા ફૉલોઅર્સની સંખ્યા પાંચ કરોડ છે. જે દિવસે અમે ઇશારો કર્યો એ દિવસે એમાંથી માત્ર ૧૦ ટકા લોકો ઠોકવા માટે તૈયાર બેઠા છે. તમે અમારા શબ્દોને જેટલા ઉલટાવી-પલટાવીને રજૂ કરીને વખોડશો એના કરતાં ૧૦૦ ગણું વધુ કરવાની ક્ષમતા અમારા ફૉલોઅર્સ પાસે છે. બસ, કહેવાની વાર છે.’