08 January, 2026 12:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રણજિત
અમિતાભ બચ્ચન પોતાના નિયમિત જીવન માટે જાણીતા છે. ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ સેટ પર સમય પહેલાં પહોંચે છે અને લોકો સાથે સતત જોડાયેલા રહે છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં ઍક્ટર રણજિતે ખુલાસો કર્યો હતો કે અમિતાભ બચ્ચન પોતાની બીજી ફિલ્મ ‘રેશમા ઔર શેરા’ના શૂટિંગ દરમ્યાન દરરોજ સવારે ગીતા વાંચતા હતા અને રાત્રે પોતાનાં માતા-પિતાને પત્ર લખતા હતા.
હાલમાં એક ઇન્ટરવ્યુમાં રણજિતે કહ્યું હતું કે ‘મેં અને અમિતાભે પહેલી વાર ‘રેશમા ઔર શેરા’માં સાથે કામ કર્યું હતું. આ તેમની બીજી ફિલ્મ હતી. એ પહેલાં તેમણે ‘સાત હિન્દુસ્તાની’માં કામ કર્યું હતું. અમે એક જ ટેન્ટમાં રહેતા હતા અને મારી સાથે બે અન્ય લોકો પણ હતા. અમિતાભ રોજ રાત્રે કંઈક ને કંઈક લખતા અને સવારે પ્રાર્થના કરતા. એક દિવસ મેં તેમને પૂછ્યું કે તમે રાત્રે શું લખો છો? ત્યારે તેમણે કહ્યું કે હું દરરોજ મારાં માતા-પિતાને પત્ર લખું છું અને સવારે ગીતા વાંચું છું. આ જ તેમનું રોજનું રૂટીન હતું.’
અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનને પણ ગીતા પ્રત્યે વિશેષ ભાવ હતો. એક વખત ‘કૌન બનેગા કરોડપતિ 15’ના એક એપિસોડમાં અમિતાભ બચ્ચને એક સ્પર્ધકને જણાવ્યું હતું કે તેમના પિતા હરિવંશરાય બચ્ચને ભગવદ્ગીતાનો અવધી ભાષામાં અનુવાદ કર્યો હતો. અમિતાભે જણાવ્યું હતું કે ‘ભગવદ્ગીતા મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલી હતી, જે સામાન્ય લોકો માટે વાંચવી મુશ્કેલ હતી. તેથી મારા પિતાને લાગ્યું કે આ ધાર્મિક ગ્રંથનો સરળ ભાષામાં અનુવાદ કરવો જોઈએ. ત્યાર બાદ તેમણે એનો અવધી ભાષામાં અનુવાદ કર્યો અને એનું નામ ‘જન ગીતા’ રાખ્યું.’