યુવાનોની મોટી ભીડ હોવા છતાં ક્યાંય કોઈ ગેરવર્તન જોવા મળ્યું નહીં

23 July, 2026 03:58 PM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

અમોલ પરાશરે ૨૦ જુલાઈએ દિલ્હીના જંતરમંતર પરથી શરૂ થયેલી સંસદકૂચમાં જોડાઈને પોતાનો અનુભવ શૅર કર્યો

અમોલ પરાશર

‘ગ્રામ ચિકિત્સાલય’માં જોવા મળેલો ઍક્ટર અમોલ પરાશર વિદ્યાર્થીઓ દ્વારા દિલ્હીમાં યોજાયેલા ‘ચલો સંસદ’ વિરોધ-પ્રદર્શનમાં સામેલ થયો હતો. અમોલે પોતે જ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે જણાવ્યું કે કોઈને જાણ કર્યા વગર તે શાંતિથી વિરોધ-પ્રદર્શનમાં જોડાયો હતો અને ત્યાં હાજર વિદ્યાર્થીઓની સાથે ઊભો રહ્યો હતો. પોતાની પોસ્ટમાં તેણે જંતરમંતર પર જોયેલા સમગ્ર ઘટનાક્રમનું પણ વર્ણન કર્યું હતું. અમોલે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘હું ૨૦ જુલાઈએ જંતરમંતર પર હતો. ત્યાં મેં જે જોયું એ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. છેલ્લા ૩-૪ દિવસથી મારું મન હતું કે હું ત્યાં જાઉં. વિદ્યાર્થીઓનો સાથ આપવાની મારી ઇચ્છા હતી. મધ્યમવર્ગીય પરિવારમાં ઊછર્યો હોવાથી શિક્ષણનું મૂલ્ય અને એનું મહત્ત્વ હું સારી રીતે સમજું છું. દેશ અને સમાજના નિર્માણ માટે પ્રતિભાશાળી યુવાનોને ન્યાયી વ્યવસ્થા મળવી કેટલી જરૂરી છે એ પણ હું જાણું છું. મારે ત્યાં જઈને લાઇમલાઇટમાં આવવું નહોતું. હું ઇચ્છતો હતો કે ચર્ચાનું કેન્દ્ર માત્ર વિરોધ-પ્રદર્શનનો મુદ્દો જ રહે. હું ફક્ત આ યુવાનો માટે ત્યાં હાજર રહેવા માગતો હતો. તેમની સાથે ઊભો રહેવા અને તેમની વચ્ચે એક સામાન્ય નાગરિક તરીકે રહેવા ઇચ્છતો હતો. હું નહોતો ઇચ્છતો કે કોઈ મને ઓળખે. મને કોઈ સ્ટેજ કે કૅમેરા નહોતો જોઈતો. હું કોઈ ભાષણ આપવા કે રીલ બનાવવા પણ નહોતો ગયો, કારણ કે મારે ચર્ચામાં આવવું નહોતું. હું માત્ર તેમને સાંભળવા ગયો હતો. એક રાત પહેલાં મેં એવા યુવાનોને જોયા જેમની આંખોમાં સપનાંઓ અને આશા હતાં. તેઓ હસી રહ્યા હતા, ગીતો ગાઈ રહ્યા હતા, પ્રશ્નો પૂછી રહ્યા હતા. ભારે ભીડ હોવા છતાં એકબીજાનો હાથ પકડીને ઊભા હતા. આ વિરોધ-પ્રદર્શનની સૌથી મોટી ખાસિયત તેમનું વર્તન હતું. આટલી મોટી ભીડ હોવા છતાં ક્યાંય કોઈ ગેરવર્તન જોવા મળ્યું નહીં. લોકો ખભેખભા મિલાવીને ઊભા હતા, છતાં એક ક્ષણ માટે પણ કોઈએ ખરાબ વર્તન કર્યું નહોતું.’

entertainment news bollywood news bollywood controversies bollywood buzz bollywood gossips bollywood events bollywood