20 April, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનન્યા પાંડે
માત્ર ૨૬ વર્ષની વયે અનન્યા પાંડેએ બૉલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે. હાલમાં અનન્યાને ફ્રાન્સની લક્ઝરી બ્રૅન્ડ શનેલે પોતાની બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર બનાવી છે. ખાસ વાત તો એ છે કે આ ઇન્ટરનૅશનલ લક્ઝરી બ્રૅન્ડની એ પહેલી ભારતીય બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર છે.
અનન્યાને બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર તરીકે જાહેર કર્યા પછી શનેલે આભારની લાગણી વ્યક્ત કરીને કહ્યું હતું કે ‘અનન્યા બદલાતી પસંદ અને અત્યંત સ્વતંત્ર ઓળખ ધરાવતી પેઢીનું પ્રતીક છે જે પોતાની જિજ્ઞાસાવૃત્તિ સાથે દુનિયામાં આગળ વધે છે. તેનાં મૂલ્યો શનેલનાં મૂલ્યો સાથે મેળ ખાય છે જેના કારણે આ બ્રૅન્ડનું પ્રતિનિધિત્વ કરવા માટે અનન્યા એકદમ યોગ્ય વિકલ્પ છે.’
આ જાહેરાત પછી અનન્યાએ પણ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું : @chanelofficial સાથેની આ યાત્રા માટે બેહદ આભારી અને ઉત્સાહિત છું. ભારત માટે અને ભારતની પહેલી બ્રૅન્ડ-ઍમ્બૅસૅડર. સપનાં સાચાં પડે છે.