02 May, 2025 08:13 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: મિડ-ડે
બૉલિવૂડ ફિલ્મ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. હિન્દી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર અને ફિલ્મ મેકર બોની કપૂરની માતા નિર્મલ કપૂરનું અવસાન થયું છે. શુક્રવારે 90 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા હોવાનું જાણવા મળ્યું છે. તેઓ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ઉંમર સંબંધિત સમસ્યાઓના કારણે અનેક દિવસોથી સારવાર લઈ રહ્યા હતા. તેમનું નિધન સાંજે છ વાગ્યાના આસપાસ થયું હોવાના અહેવાલ છે.
કપૂર પરિવારના માતૃશ્રી તરીકે જાણીતા નિર્મલ કપૂરે હિન્દી સિનેમાના કેટલાક મોટા નામોનો ઉદય જોયો. સોનમ કપૂર, જાહ્નવી કપૂર, અર્જુન કપૂર અને ખુશી કપૂર જેવા લોકપ્રિય સ્ટાર્સ તેમના પૌત્ર-પૌત્રીઓમાં સામેલ છે. તેમનો સૌથી નાનો પુત્ર સંજય કપૂર પણ એક અભિનેતા છે, જ્યારે તેમના મોટા પુત્ર બોની કપૂરે છેલ્લા કેટલાક દાયકાઓમાં બૉલિવુડની કેટલીક સૌથી મોટી હિટ ફિલ્મો આપી છે.
નિર્મલનું અવસાન પ્રખ્યાત કપૂર ખાનદાન માટે એક યુગનો અંત દર્શાવે છે. તેમના વિના કોઈ પણ પરિવારનો મેળાવડો પૂર્ણ થતો ન હતો. પરિવાર સાથે તસવીરોમાં તેઓ હંમેશા સ્માઇલ કરતાં, તેમના પ્રિયજનોથી ઘેરાયેલા તેઓ જોવા મળતા હતા. તેમના બાળકો ઘણીવાર તેમના માટે હૃદયપૂર્વકની નોંધો શૅર કરતા હતા અને પરિવારને એક સાથે રાખનાર તેમની મમ્મી પ્રત્યે ઊંડો પ્રેમ અને પ્રશંસા વ્યક્ત કરતા હતા. "અનિલ કપૂર શોકગ્રસ્ત છે," પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું. જોકે પરિવારે હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.
પાપારાઝી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં, બોની અને શનાયા રિયા કપૂરના પતિ અને ફિલ્મ નિર્માતા કરણ બુલાની સાથે હૉસ્પિટલમાં જોવા મળ્યા હતા. જાહ્નવી પણ તેના બૉયફ્રેન્ડ શિખર પહારિયા સાથે જોવા મળી હતી. જોકે તેમની અંતિમ વિધિ બાબતે કોઈ સત્તાવાર નિવેદન મળ્યું નથી. નિર્મલ કપૂરના નિધનના સમાચાર બાદ હવે તેમનો પરિવાર અને ફિલ્મ જગતના કેટલાક લોકો સહિત તેમના નજીકના મિત્રો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા હોવાના અહેવાલ છે.
બન્ને ભાઈઓ વચ્ચે હતા વિવાદના સમચાર
બોની કપૂરે ‘નો એન્ટ્રી 2’માં અનિલ કપૂરને કાસ્ટ નથી કર્યો. એને કારણે અનિલ કપૂર નારાજ હોય એવું લાગે છે. ૨૦૦૫માં ‘નો એન્ટ્રી’ રિલીઝ થઈ હતી. એ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર, ફરદીન ખાન, બિપાશા બાસુ, લારા દત્તા, ઈશા દેઓલ અને સેલિના જેટલી લીડ રોલમાં હતાં. હવે એની સીક્વલમાં અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજિત દોસંજ લીડ રોલમાં દેખાશે. એમાં અનિલ કપૂરને ન લેવા વિશે બોની કપૂર કહે છે, ‘હું મારા ભાઈ અનિલને ‘નો એન્ટ્રી 2’ વિશે કાંઈ માહિતી આપું એ પહેલાં ન્યુઝ લીક થઈ ગયા અને તે ગુસ્સે થઈ ગયો. હું જાણું છું કે તેને પણ આ ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા હતી. હું તેને જણાવવા માગતો હતો કે મેં આવું શું કામ કર્યું.’