15 March, 2026 10:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનિલ કપૂર
ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ આ સમયે ભારતની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બની ગઈ છે. આ ફિલ્મ ૧૯ માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. ડિરેક્ટર આદિત્ય ધરની રણવીર સિંહ અભિનીત આ સીક્વલ ફિલ્મમાં એની ઓરિજિનલ સ્ટારકાસ્ટ ફરીથી પોતાનાં જૂનાં પાત્રોમાં જોવા મળશે. સાથે જ કેટલાક નવા ચહેરાઓ પણ ફિલ્મમાં જોવા મળશે. થોડા સમય પહેલાં ચર્ચા હતી કે સીક્વલમાં અનિલ કપૂર પણ જોવા મળશે. જોકે હવે અનિલે જ સ્પષ્ટતા કરીને આ ચર્ચાની હકીકત જણાવી છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’માં તેને ઑફર થયેલા રોલ વિશે વાત કરતાં અનિલે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે ‘આદિત્ય ધર મારી પાસે ‘ધુરંધર : ધ રિવેન્જ’ માટે આવ્યો હતો. તે ઇચ્છતો હતો કે હું ફિલ્મમાં નાનો રોલ કરું. મારે આ ઑફર નકારવી પડી કારણ કે એ જ તારીખોમાં હું પહેલેથી જ બીજી એક ફિલ્મ માટે કમિટમેન્ટ આપી ચૂક્યો હતો.’ પોતાના આ નિર્ણય પાછળનું કારણ જણાવતાં અનિલે કહ્યું કે ‘હું આજે જે કંઈ છું એ મારા પ્રોફેશનલિઝમ અને કમિટમેન્ટના કારણે છું. માત્ર ટૅલન્ટથી બધું મળતું નથી. એ દિવસો મેં પહેલેથી જ બીજા ફિલ્મમેકર માટે બુક કરી દીધા હતા. મેં આદિત્યને કહ્યું કે મને આ કૅમિયો કરવો ગમ્યો હોત, પરંતુ એ દિવસોમાં હું પહેલેથી જ કમિટેડ છું. હવે તેઓ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છે. આ એક શાનદાર ફિલ્મ છે અને એમાં કામ કરવાની તક ગુમાવવી એ મારું નુકસાન છે, પરંતુ કોઈ વાંધો નથી. ઓછામાં ઓછું મારા મનમાં એ સંતોષ છે કે મેં મારાં કમિટમેન્ટ્સનું માન રાખ્યું.’