આ ઝક્કાસ એક્ટરને અચાનક શું થયું? ફોરએવર યંગ એક્ટરનો નવો લૂક ચોંકાવનારો

03 February, 2026 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનીલ કપૂર એક એવા અભિનેતા છે જે પોતાની ફિટનેસને અને લૂક્સને મામલે ભલભલાને ટક્કર મારે એમ છે, તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ધોળા વાળમાં ફોટોગ્રાફ મૂક્યો અને લોકો ચોંકી ગયા છે. ફોરએવર યંગ અનીલ કપૂર કોઈ નવા પાત્રના લૂકમાં હશે?

અનિલ કપૂરની આ પોસ્ટથી લોકો ચોંકી ગયા પણ નવા લૂકને વખાણ્યો - તસવીર ઇન્સ્ટાગ્રામ

ભારતીય સિનેમામાં જ્યારે પણ ફિટનેસ અને એવરગ્રીન લુક્સની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ અનિલ કપૂરનું લેવામાં આવે છે. 69 વર્ષની ઉંમરે પણ જે રીતે અનિલ કપૂરે પોતાની જાતને જાળવી રાખી છે, તે નવી પેઢીના કલાકારો માટે એક મિશાલ સમાન છે. ઘણીવાર એવું કહેવાય છે કે અનિલ કપૂરની ઉંમર વધવાને બદલે ઘટી રહી છે, પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેમણે શેર કરેલી એક તસવીરે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. વર્ષોથી યુવાન દેખાતા અનિલ કપૂરે પહેલીવાર પોતાના `ગ્રે લુક` એટલે કે સફેદ વાળ અને સફેદ મૂછોવાળો લુક ફેન્સ સામે રજૂ કર્યો છે.

અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક ક્લોઝ-અપ તસવીર શેર કરી છે, જેમાં તેઓ સફેદ વાળ અને મૂછોમાં જોવા મળી રહ્યા છે. આ લુકમાં પણ તેમની પર્સનાલિટી અત્યંત આકર્ષક અને રૉયલ લાગી રહી છે. આ ફોટો શેર કરતાની સાથે જ તેમણે કેપ્શનમાં એક રહસ્યમયી વાત લખી છે. તેમણે લખ્યું,"કોઈ નથી જાણતું કે આગળ શું થવાનું છે..." આ કેપ્શન બાદ સોશિયલ મીડિયા પર અટકળોનો દોર શરૂ થયો છે. ફેન્સ એ વાતથી આશ્ચર્યમાં છે કે શું આ ખરેખર અનિલ કપૂરનું કુદરતી ટ્રાન્સફોર્મેશન છે કે પછી કોઈ મોટા પ્રોજેક્ટ માટેનો મેકઅપ છે.


પુત્રી સોનમ કપૂર અને બોલિવૂડ સેલેબ્સનું રિએક્શન

અનિલ કપૂરની આ તસવીર વાયરલ થતા જ બોલિવૂડ સેલિબ્રિટીઝે કમેન્ટ્સનો વરસાદ કરી દીધો છે. સૌથી વધુ ધ્યાન તેમની પુત્રી સોનમ કપૂરની કમેન્ટ પર ગયું છે. સોનમે હાર્ટ અને ફાયર ઈમોજી મૂકીને પિતાના આ સાહસિક લુકને વધાવ્યો છે. તેની પ્રતિક્રિયા પરથી લાગે છે કે તે પણ પિતાના આ નવા અવતારથી પ્રભાવિત છે. બીજી તરફ, અભિનેતા દર્શન કુમારે તેમની સિગ્નેચર સ્ટાઈલમાં "વાહ, ઝક્કાસ!" લખ્યું છે. રિતેશ દેશમુખ, અનુપમ ખેર અને સુધાંશુ પાંડે જેવા કલાકારોએ પણ અનિલ કપૂરના આ મેચ્યોર અને ગ્રે લુકના વખાણ કર્યા છે. જાણીતી કોરિયોગ્રાફર વૈભવી મર્ચન્ટે પણ કમેન્ટ કરી કે તેમને આ લુક ખૂબ જ પસંદ આવ્યો છે.

નવા પ્રોજેક્ટની અટકળો

સામાન્ય રીતે અનિલ કપૂર પોતાની ઉંમર છુપાવવા માટે ડાય (રંગ) નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ પહેલીવાર તેમણે પબ્લિકલી આ ગ્રે લુક સ્વીકાર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લુક તેમની આગામી કોઈ ફિલ્મ કે વેબ સિરીઝ માટે હોઈ શકે છે. અગાઉ તેઓ `વૉર 2` માં હૃતિક રોશન અને જુનિયર એનટીઆર સાથે જોવા મળ્યા હતા, જ્યાં તેમની એનર્જી જોવા જેવી હતી. હવે આ નવો લુક કોઈ ઈન્ટેન્સ ડ્રામા અથવા કોઈ પાવરફુલ પાત્રનો સંકેત આપી રહ્યો હોય તેમ હોઇ છે.  લાગે છે કે તેમનો નવો લૂક નેટફ્લિક્સની સિરીઝ "ફેમિલી બિઝનેસ"નો ભાગ છે. આ પોસ્ટ જોઇને તમે પણ એ કળી શકશો.

 

ગમે તે હોય, પણ એક વાત તો નક્કી છે કે અનિલ કપૂર ભલે ગ્રે હેર લુકમાં હોય કે બ્લેક હેર લુકમાં, તેમની સ્ટાઈલ અને સ્વેગ આજે પણ અકબંધ છે. ફેન્સ હવે એ જાણવા માટે આતુર છે કે અનિલ કપૂર આ લુકમાં ક્યાં અને ક્યારે જોવા મળશે.

anil kapoor sonam kapoor bollywood buzz bollywood news entertainment news bollywood