27 August, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને કિરણ ખેર
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને અભિનેત્રી કિરણ ખેરે તેમનાં લગ્નજીવનનાં ૪૧ વર્ષ પૂરાં કર્યાં છે. આ ખાસ અવસરે અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર બન્નેની અનેક જૂની તસવીરો શૅર કરીને પોતાના લગ્નજીવન વિશે ભાવુક વાતો લખી હતી.
પોતાની પોસ્ટમાં અનુપમ ખેરે લખ્યું હતું કે ‘અમને લગ્નની ૪૧મી વર્ષગાંઠની હાર્દિક શુભકામનાઓ! જ્યારે વર્ષગાંઠ પર શૅર કરવા માટે તસવીરો ઓછી પડી જાય, કારણ કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં તમે લગભગ બધી જ તસવીરો શૅર કરી ચૂક્યા હો ત્યારે સમજી જવું કે તમારાં લગ્નને ખરેખર ઘણો લાંબો સમય વીતી ગયો છે!
૪૧ વર્ષ! આ સફરમાં પ્રેમ રહ્યો, હાસ્ય રહ્યું, દલીલો થઈ, મતભેદો આવ્યા, સાથે વિતાવેલી પળો રહી, પોતાની-પોતાની અલગ સફરો રહી, મુશ્કેલ સમય પણ આવ્યો અને અદ્ભુત ક્ષણો પણ આવી. બીજા શબ્દોમાં કહું તો આ જ તો લગ્નજીવન છે. કિરણ અને હું એકબીજાથી ખૂબ જ અલગ વ્યક્તિઓ છીએ. કદાચ એ જ કારણ છે કે આ ૪૧ વર્ષ એટલાં રસપ્રદ રહ્યાં છે. અમે હંમેશાં એકબીજાને પોતપોતાની રીતે જીવવાની જગ્યા આપી છે. પ્રેમ તો છે જ, પણ વર્ષો પસાર થતાં મને લાગે છે કે પરસ્પર સન્માન એટલું જ અમૂલ્ય બની જાય છે.
જીવન બદલાય છે, લોકો બદલાય છે, સંજોગો બદલાય છે પણ આટલાં વર્ષો પછી પણ એ જાણવું કેટલું સુંદર છે કે કોઈ એવી વ્યક્તિ છે જેણે તમારા જીવનની અસંખ્ય ક્ષણોને પોતાની આંખે જોઈ છે અને તમે પણ તેના જીવનની સફરના સાક્ષી રહ્યા છો. અમે પર્ફેક્ટ નથી, સ્વતંત્ર છીએ. ક્યારેક એકબીજાને પરેશાન કરીએ છીએ, ક્યારેક અસંભવ પણ લાગી જઈએ છીએ પણ હંમેશાં એકબીજા માટે હાજર રહીએ છીએ. લગ્નની વર્ષગાંઠ મુબારક, મારી સૌથી પ્રિય કિરણ! ભગવાન અમને આશીર્વાદ આપે અને આપણે આવનારાં અનેક વર્ષો સુધી આ જ રીતે એકબીજાની બાજુમાં ચાલતા રહીએ. હંમેશાં પ્રેમ સાથે.’