04 February, 2026 11:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરના નજીકના મિત્ર બમન ઈરાનીએ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું
અનુપમ ખેરે દિલ્હીના સફદરજંગ એન્કલેવમાં પોતાની ઍક્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ ‘ઍક્ટર પ્રિપેર્સ’નું નવું સેન્ટર શરૂ કર્યું છે. આના કારણે હવે દિલ્હી-NCRના યુવાન કલાકારોને હવે મુંબઈ જવાની જરૂર રહેશે નહીં અને તેઓ વર્લ્ડ-ક્લાસ અભિનયની તાલીમ પોતાના શહેરમાં જ મેળવી શકશે. અનુપમ ખેરની આ ઇન્સ્ટિટ્યૂટ મુંબઈમાં ૨૦૦૫થી ચાલી રહી છે અને એણે દીપિકા પાદુકોણ, કિઆરા અડવાણી, વરુણ ધવન, હૃતિક રોશન જેવા અનેક સુપરસ્ટાર્સને નિખાર્યા છે. હવે દિલ્હીમાં પણ આ જ સફર ચાલુ થઈ છે. આ પ્રસંગે અનુપમ ખેરે યુવાનોને સલાહ પણ આપી કે સ્માર્ટફોનથી રીલ બનાવો અને રાહ ન જુઓ.
આ નવા સેન્ટરનું ઉદ્ઘાટન કરતાં અનુપમ ખેરના નજીકના મિત્ર બમન ઈરાનીએ રિબન કાપીને અને નારિયેળ ફોડીને શુભારંભ કર્યો હતો. અનુપમ ખેરે ઉદ્ઘાટન વખતે ભાવુક થઈને કહ્યું કે ‘રાજધાની હવે સાહસ અને કલાનું ઘર બની ગઈ છે. એક એવી જગ્યા જ્યાં પ્રતિભાને નિખારવામાં આવે છે, કમજોરી તાકાત બને છે અને સપનાંઓને ઈમાનદારી તથા અનુશાસન સાથે નિખારવામાં આવે છે. જો ઍક્ટિંગ તમારું સપનું છે જેને તમે અત્યાર સુધી ટાળી રહ્યા છો, તો આ તમારી પળ છે.’