22 September, 2026 01:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
અનુપમ ખેરને સિનેમાની દુનિયામાં ચાર દાયકાથી વધુ સમય થઈ ગયો છે. તેમણે ફિલ્મોમાં પોતાની અભિનયપ્રતિભાનો પરચો આપ્યો છે. આ ઉપરાંત તેઓ થિયેટર અને સ્ટેજ-શો માટે પણ ચર્ચામાં રહે છે. અનુપમ ખેરના અભિનયના માત્ર ભારતમાં જ નહીં, વિદેશોમાં લોકો પ્રશંસક છે. તાજેતરમાં અનુપમ ખેરને અમેરિકાના ઓહાયો રાજ્યમાં વિશેષ સન્માન મળ્યું છે. આ સન્માનથી ખુશ અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની આનંદની લાગણી વ્યક્ત કરી છે.
સન્માન મળ્યા પછી અનુપમ ખેરે પોતાની લાગણી વ્યક્ત કરતા લખ્યું હતું કે ‘હું ખૂબ જ સન્માનિત અને વિનમ્ર અનુભવી રહ્યો છું. ઓહાયો રાજ્ય તરફથી આ વિશેષ સન્માન મેળવીને ખૂબ જ સારું લાગી રહ્યું છે. ઓહાયો રાજ્ય તરફથી આ વિશેષ સન્માન મળવું મારા માટે એક અદ્ભુત અનુભવ છે. આ સન્માન સિનેમામાં મારી ચાર દાયકાથી વધુની સફર અને કોલંબસમાં અમારા લાઇવ સ્ટેજ-શો ‘જાને પહચાને અનજાને’ને મળેલી ઓળખનું પરિણામ છે. આ શાનદાર સન્માન માટે ઓહાયોના ગવર્નર માઇક ડિવાઇન અને લેફ્ટનન્ટ ગવર્નર જિમ ટ્રેસેલનો દિલથી આભાર. હું આ સન્માનને ખૂબ જ ગર્વ અને વિનમ્રતા સાથે સ્વીકારું છું. આ સન્માન માત્ર મારા માટે નથી, પણ હું ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો પણ આભારી છું જેણે મને મારી ઓળખ આપી. આ સાથે ‘જાને પહચાને અનજાને’ની શાનદાર કાસ્ટ અને ક્રૂનો પણ આભાર જેમના જુસ્સા અને સમર્પણે દરેક પર્ફોર્મન્સને આટલું ખાસ બનાવી દીધું. ઘરથી આટલી દૂર આ રીતે સ્વાગત અને સન્માન મળવું દિલને સ્પર્શી જતો અનુભવ છે. આ યાદગાર સન્માન માટે ઓહાયાનો આભાર. જય હિન્દ.’