આજે હું જે કંઈ છું એ બધું મારી મમ્મીની દુઆનું પરિણામ છે

05 May, 2026 10:34 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનુપમ ખેરે તેમની ઑફિસમાં આવેલાં મમ્મી દુલારી ખેર સાથેની તસવીરો શૅર કરીને લાગણી વ્યક્ત કરી

તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા

અનુપમ ખેરે હાલમાં તેમનાં મમ્મી દુલારી ખેર સાથે એક ખાસ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેમનાં મમ્મી અનુપમ ખેરની ઑફિસમાં ખુરસી પર આરામથી બેઠેલાં જોવા મળે છે અને અનુપમ તેમની બાજુમાં ઊભા છે.

આ પોસ્ટ સાથે અનુપમ ખેરે લખ્યું હતું કે ‘ગયા અઠવાડિયે મમ્મી મારી ઑફિસમાં આવ્યાં હતાં. તેઓ મારી ખુરસી પર બેસી ગયાં અને હસતાં-હસતાં બોલ્યાં ‘આ તો મારી ખુરસી છે.’ મેં આ વાત સાંભળીને હળવું સ્મિત કરી દીધું, કારણ કે આ સાચું છે. આજે હું જે કંઈ છું એ બધું તેમની દુઆનું પરિણામ છે. તેમનાં ત્યાગ, હિંમત અને વિશ્વાસને કારણે જ હું અહીં સુધી પહોંચ્યો છું. તેમણે પોતાનાં સપનાંને થોડાં પાછળ રાખીને મારાં સપનાંને આગળ વધાર્યાં. મમ્મી, તારી ખુરસી હંમેશાં તારી જ રહેશે. હું તો ફક્ત એને સંભાળી રહ્યો છું.’

anupam kher social media viral post entertainment news bollywood bollywood news