18 November, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર અને તેમની મમ્મી
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર તેમની મમ્મી દુલારી ખેર સાથેના પ્રેમભર્યા સંબંધની એક સુંદર ઝલક શૅર કરી છે. આ સાથે તેમણે પોતાની મમ્મીની એક ખાસ પરંપરા વિશે પણ જણાવ્યું છે જે તેઓ દર વખતે વિદેશથી ઘરે પાછા ફરે ત્યારે નિભાવે છે. અનુપમ ખેર અવારનવાર સોશ્યલ મીડિયા પર તેમની મમ્મી દુલારી ખેર સાથેની આવી હૃદયસ્પર્શી પળોના વિડિયો શૅર કરતા રહે છે.
આ વિડિયો શૅર કરતાં અનુપમે લખ્યું હતું કે ‘જ્યારે પણ હું વિદેશથી પાછો ફરું છું ત્યારે મારી મમ્મી મારા માટે કંઈક ને કંઈક ખાસ લઈને તૈયાર હોય છે. આ વખતે તેમણે મારા માટે શર્ટ ખરીદ્યાં છે. તેમના માટે આ માત્ર કપડાં નથી, તેમનો પ્રેમ અને હું પાછો આવું એની કેટલી રાહ જુએ છે એનું પ્રતિબિંબ છે. ત્યાર બાદ તેમની સૌથી મોટી ઇચ્છા હોય છે કે હું તરત જ એ કપડાં પહેરીને તેમને બતાવું. તેઓ જરા પણ રાહ જોઈ શકતાં નથી અને કહે છે ‘હમણાં જ પહેરીને બતાવ.’ મારો ભાઈ કૅમેરા પકડીને ઊભો છે અને મમ્મી મારી સામે બેસીને ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યાં છે. મમ્મીને ખુશ કરવાની વાત હોય ત્યારે હું તેમને ના કેવી રીતે પાડી શકું? એટલે તેમણે મારા માટે ખરીદેલાં ટી-શર્ટ અને શર્ટ હું પહેરીને બતાવું છું. તેમના ચહેરા પરની ખુશી કોઈ પણ મોંઘી ભેટ કરતાં વધારે કીમતી છે. સાચું કહું તો બન્ને કપડાં સારાં લાગે છે. છેવટે પસંદગી તો મારી મમ્મીની જ છે.’