14 August, 2026 09:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેર
બૉલીવુડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર પોતાના જિમ વર્કઆઉટ સેશનનો એક વિડિયો શૅર કર્યો છે જેમાં તેઓ પોતાની ફિટનેસ દિનચર્યા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવતા જોવા મળે છે.
ઇન્સ્ટાગ્રામ પર શૅર કરાયેલા આ વિડિયોમાં ૭૧ વર્ષના અનુપમ ખેર વજન ઊંચકીને પોતાના કોર અને બૅક (પીઠ) સ્નાયુઓને મજબૂત બનાવવાની કસરતો કરતા નજરે પડે છે. કસરત પ્રત્યેના પોતાના સતત પ્રયાસોનું પરિણામ જોઈને અનુપમ ખેરે ખુશી વ્યક્ત કરી હતી. વિડિયો સાથેની કૅપ્શનમાં તેમણે લખ્યું હતું કે ‘શરીર પર નવા-નાના મસલ્સ (સ્નાયુઓ) ઊભરતા જોવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. મારે મન વર્કઆઉટ કરવું એ મેડિટેશન સમાન છે. કોઈ પણ ઉંમર કે તબક્કે આ માનવભાવનાનો એક નાનો વિજય છે.’
ફિટનેસ સંબંધિત આ પોસ્ટને આધ્યાત્મિક સ્પર્શ આપતાં અનુપમ ખેરે વિડિયોના બૅકગ્રાઉન્ડમાં શંકર મહાદેવનના કંઠે ગવાયેલું શિવતાંડવ સ્તોત્રમનું ‘જટાટવીગલજ્જલ પ્રવાહપાવિતસ્થલે’ સ્તોત્ર ઉમેર્યું હતું.