19 May, 2026 10:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુપમ ખેરે કરી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી
હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી હતી અને હવે અનુપમ ખેરે પોતાના વર્તનથી આ અપીલને ટેકો આપ્યો છે. ગઈ કાલે અનુપમ ખેરે જયપુરથી દિલ્હી સુધીની પોતાની વંદે ભારત એક્સપ્રેસની મુસાફરીનો વિડિયો શૅર કર્યો અને એને સંસાધનોના સંરક્ષણ તરફનું નાનું પરંતુ અર્થપૂર્ણ યોગદાન ગણાવ્યું. સોશ્યલ મીડિયા પર શૅર કરાયેલા સેલ્ફ-રેકૉર્ડેડ વિડિયોમાં અનુપમ ખેરે ઈંધણનો ઉપયોગ ઘટાડવાના અને દૈનિક જીવનમાં જવાબદાર નિર્ણયો લેવાના મહત્ત્વ વિશે વાત કરી.
અનુપમ ખેરે વડા પ્રધાનના સંદેશનો ઉલ્લેખ કરીને કહ્યું, ‘નમસ્કાર મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને અપીલ કરી છે કે આપણે સૌએ પેટ્રોલ અને ડીઝલ બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ, જ્યાં શક્ય હોય ત્યાં જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ, કારપૂલિંગ કરવું જોઈએ, ટૂંકા અંતર માટે પોતાની કાર બહાર કાઢવાનું ટાળવું જોઈએ અને દૈનિક જીવનમાં નાના બદલાવ કરીને દેશ માટે યોગદાન આપવું જોઈએ. મને લાગે છે કે તેઓ સંપૂર્ણપણે સાચા છે. આ જ વિચાર સાથે હું જયપુરથી દિલ્હી સુધી વંદે ભારત એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યો છું. આ કોઈ મોટો ત્યાગ નથી, પરંતુ જો આપણે બધા નાના પ્રયાસો શરૂ કરીએ તો એનો મોટો પ્રભાવ પડી શકે છે.’