23 June, 2026 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિર્ડીમાં સાંઈબાબાના દરબારમાં અનુપમ ખેર
અનુપમ ખેરે રવિવારે શિર્ડીમાં સાંઈબાબાનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ ખાસ ક્ષણની તસવીરો અને વિડિયો તેમણે સોશ્યલ મીડિયા પર શૅર કર્યા છે. આ સાથે જ શિર્ડીની મુલાકાત દરમ્યાન થયેલા આધ્યાત્મિક અનુભવ વિશે પણ દિલની વાત વ્યક્ત કરી છે.
આ પોસ્ટ સાથે અનુપમ ખેરે પોતાની લાગણી વ્યક્ત કરતાં લખ્યું, ‘ૐ સાઈ રામ. બાબાના આશીર્વાદ હંમેશાં આપણા સૌને મળતા રહે. ઘણા વર્ષો બાદ મને શિર્ડી જઈને સાંઈબાબાનાં દર્શન કરવાનો અવસર મળ્યો. બાબાનાં ચરણોમાં થોડો સમય વિતાવતાં મારા મનને અદ્ભુત શાંતિ મળી. એવું લાગ્યું કે મનની બધી દોડધામ થોડા સમય માટે થંભી ગઈ હોય. પ્રાર્થના કરતી વખતે મારા મનમાં બાબા પ્રત્યે કૃતજ્ઞતાની ભાવના હતી અને જીવનમાં કંઈક સારું તથા યોગ્ય કાર્ય કરવાની ઇચ્છા વધુ મજબૂત બની ગઈ. આજે મને સમજાયું કે એવી કઈ શક્તિ છે જે મારી મમ્મીને અને ભાઈને વારંવાર અહીં ખેંચી લાવે છે. સાંઈબાબાના દરબારમાં એક અલગ જ શક્તિ, શાંતિ અને આંતરિક મજબૂતીનો અનુભવ થાય છે.’