30 August, 2026 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
‘શ્રી રામભૂમિ’ના દૃશ્યમાં અનુપમ ખેર.
અનુપમ ખેરે સોશ્યલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શૅર કરીને માહિતી આપી છે કે તેમણે ‘શ્રી રામભૂમિ’ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે. શૂટિંગ પૂરું થવાની ખુશી વ્યક્ત કરતાં તેમણે સેટ સાથે જોડાયેલી કેટલીક તસવીરો શૅર કરી અને ફિલ્મની સમગ્ર ટીમ તથા કસબીઓનો દિલથી આભાર માન્યો.
અનુપમ ખેરે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘ફિલ્મ ‘શ્રી રામભૂમિ’માં મારું કાર્ય પૂર્ણ થયું. કેટલીક ફિલ્મો એક કલાકારને એ સંતોષ આપે છે કે તેણે સારું કામ કર્યું, કેટલીક ફિલ્મો એ વાતનું ગૌરવ આપે છે કે તે કોઈ મોટા અને મહત્ત્વના સિનેમાનો હિસ્સો બન્યો; પણ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે જે માત્ર કલાકારને જ નહીં પણ એક મનુષ્યને અંદર સુધી સ્પર્શી જાય છે. આવી ફિલ્મો આત્માનું શુદ્ધિકરણ કરે છે અને મનને એક ઊંડી, શાંત આધ્યાત્મિક અનુભૂતિથી ભરી દે છે. ‘શ્રી રામભૂમિ’ મારા માટે આવી જ એક ફિલ્મ છે. આ મારા જીવનનું સૌભાગ્ય અને પ્રભુ શ્રીરામની કૃપા છે કે મને શ્રી અશોક સિંઘલજીની ભૂમિકા ભજવવાની તક મળી. રામ જન્મભૂમિ આંદોલન અને રામલલાના ભવ્ય મંદિરના સંકલ્પમાં તેમનું સમર્પણ, તેમની તપસ્યા અને તેમનું યોગદાન અમૂલ્ય છે જેને શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.’