20 April, 2025 11:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુરાગ કશ્યપ તેની દીકરી
ફિલ્મમેકર અનુરાગ કશ્યપે બ્રાહ્મણ સમુદાય પરના પોતાના વાંધાજનક નિવેદન બદલ માફી માગી લીધી છે. આ નિવેદન પછી બહુ મોટો વિવાદ થયા બાદ તેણે પોતાના સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે ‘હું માફી માગું છું, પણ મારી પોસ્ટ માટે માફી માગતો નથી, એ એક લાઇન માટે માફી માગી રહ્યો છું જેને ખોટી રીતે લેવામાં આવી અને નફરત ફેલાવવામાં આવી. કોઈ પણ ઍક્શન કે સ્પીચ દીકરી, પરિવાર, મિત્રો અને પ્રિયજનો કરતાં વધુ મહત્ત્વની નથી. તેને બળાત્કારની અને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. જે લોકો પોતાને સંસ્કારી કહી રહ્યા છે તેઓ આ બધું કરી રહ્યા છે. જે કહેવામાં આવ્યું છે એ પાછું લઈ શકાતું નથી અને હું એ પાછું લઈશ પણ નહીં. તમારે મને ગમે એટલી ગાળો આપવી હોય એટલી આપો, પરંતુ મારા પરિવારે તો કંઈ કહ્યું નથી અને કંઈ કહેશે પણ નહીં. તો જો તમે મને માફી માગવાનું કહેતા હો તો હું મારા પરિવાર માટે માફી માગું છું. બ્રાહ્મણો, કૃપા કરીને મહિલાઓને છોડો. આટલાં સારાં મૂલ્યો શાસ્ત્રોમાં પણ છે, ફક્ત મનુવાદમાં જ નથી. તમે કયા બ્રાહ્મણ છો એ નક્કી કરો? બાકી, મારા તરફથી માફી.’
હાલમાં ડિરેક્ટર અનંત મહાદેવનની ‘ફુલે’ ફિલ્મને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ફિલ્મના રિલીઝમાં વિલંબ અને સેન્સર બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફેરફારોથી હતાશ થઈને અનુરાગે કેન્દ્ર સરકાર, બ્રાહ્મણ સમુદાય અને સેન્સર બોર્ડ પર અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. એ પછી સોશ્યલ મીડિયામાં થયેલી ચર્ચા દરમ્યાન અનુરાગ કશ્યપે બ્રાહ્મણો વિશે અણછાજતી કમેન્ટ કરી હતી જેના પછી તેને બ્રાહ્મણ સમુદાય દ્વારા ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.
પ્રતીક ગાંધી અને પત્રલેખા સ્ટારર ફિલ્મ ‘ફુલે’ વિવાદોમાં ઘેરાયેલી છે. સમાજસુધારક દંપતી જ્યોતિબા ફુલે અને સાવિત્રીબાઈ ફુલેના જીવન પર આધારિત આ ફિલ્મ પહેલાં ૧૧ એપ્રિલે રિલીઝ થવાની હતી. આ ફિલ્મ પર જાતિવાદ ફેલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. વિવાદોને કારણે ફિલ્મની રિલીઝ-ડેટ ૨૫ એપ્રિલ કરવામાં આવી છે.
હું શાહરુખ કરતાં વધારે બિઝી છું
ફિલ્મમેકર અનુરાગ કશ્યપ મુંબઈ છોડીને બૅન્ગલોર શિફ્ટ થઈ ગયો છે ત્યારે એવી ચર્ચા થઈ રહી છે કે તેની પાસે કામ નથી. હવે અનુરાગ કશ્યપે સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા આ ચર્ચાનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું છે કે ‘મેં શહેર બદલ્યું છે, કામ નથી છોડ્યું. હું બૅન્ગલોરમાં છું અને શાહરુખ ખાન કરતાં વધારે બિઝી છું. મારી પાસે ૨૦૨૮ સુધી તારીખો નથી. મારી ડિરેક્ટર તરીકેની પાંચ ફિલ્મો આ વર્ષે રિલીઝ થવાની છે. હું એટલો વ્યસ્ત છું કે રોજ બે-ત્રણ પ્રોજેક્ટને ના પાડવી પડે છે.’