જેફ્રી એપસ્ટિન ફાઇલ્સ સાથે નામ જોડાતા અનુરાગ કશ્યપે આ ચોખવટ કરી...

05 February, 2026 08:50 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અનુરાગ કશ્યપનું નામ વિવાદાસ્પદ એપસ્ટિન ફાઇલ્સ સાથે જોડાયું. કોઈ ઇમેઇલની ઇમેજીઝ ફરતી થઈ, તેમાં કોઈનું નામ ન હોવા છતાં અનુરાગ કશ્યપનું નામ લેવાયું અને અંતે દિગ્દર્શકે ચોખવટ આપીને સત્ય શું છે તે લોકોને જણાવ્યું. એપસ્ટિન ફાઈલ્સ ઘણાં મોટા નામો ચર્ચાયા.

અનુરાગ કશ્યપ - ફાઇલ તસવીર

દુનિયાભરમાં ચર્ચિત `એપસ્ટિન ફાઇલ્સ` (Epstein Files) ફરી એકવાર વિવાદોના વંટોળમાં છે. દિવંગત અમેરિકન સેક્સ ઓફેન્ડર જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા દસ્તાવેજો, ઈમેલ્સ અને પુરાવાઓ જાહેર થયા બાદ વિશ્વભરના અનેક પ્રભાવશાળી નામો સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડની કડીમાં હવે ભારતીય સિનેમાના જાણીતા અને હંમેશા બેબાક રહેનારા ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap) નું નામ જોડાતા ભારતીય ફિલ્મ જગત અને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. જોકે, આ ગંભીર આરોપો પર અનુરાગ કશ્યપે મૌન તોડતા તમામ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને તેને પાયાવિહોણી અફવા ગણાવી છે.

વિવાદની શરૂઆત કેવી રીતે થઈ?


સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વાયરલ થયેલા કેટલાક કથિત દસ્તાવેજો અને સ્ક્રીનશોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે અનુરાગ કશ્યપનું નામ જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલા એક ખાનગી ઈમેલમાં સામેલ છે. વાયરલ થયેલા ઈમેલમાં કશ્યપનું નામ સીધું લખવામાં આવ્યું નથી, પરંતુ તેમને `બોલિવૂડ પર્સન` અને એક `ફેમસ બોલિવૂડ ડાયરેક્ટર` તરીકે સંબોધવામાં આવ્યા છે. આ અસ્પષ્ટ ઉલ્લેખને કારણે સોશિયલ મીડિયા યુઝર્સ અનુમાન લગાવી રહ્યા હતા કે તે વ્યક્તિ અનુરાગ કશ્યપ હોઈ શકે છે. દાવા મુજબ, વર્ષ ૨૦૧૭માં ચીનના બીજિંગમાં આયોજિત જેફ્રી એપસ્ટિન સાથે સંબંધિત એક હાઈ-પ્રોફાઈલ કાર્યક્રમમાં તેમની હાજરીની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને લઈને થયેલા ઈમેલ વ્યવહારમાં કથિત રીતે આ ભારતીય ડાયરેક્ટરનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

અનુરાગ કશ્યપનો વળતો પ્રહાર 


આ અફવાઓ વાયુવેગે ફેલાતા જ અનુરાગ કશ્યપે વિલંબ કર્યા વિના ઈન્સ્ટાગ્રામ અને એક્સ (X) પર સ્પષ્ટતા કરી છે. તેમણે આ વાતોને `ફેબ્રિકેટેડ` અને પાયાવિહોણી ગણાવતા કહ્યું કે આ માત્ર તેમને બદનામ કરવાનું કાવતરું છે. "મારું નામ આવી કોઈ અનૈતિક પ્રવૃત્તિ કે વ્યક્તિ સાથે ક્યારેય જોડાયેલું નથી. આ માત્ર સોશિયલ મીડિયાની ઉપજાવેલી વાતો છે," તેમ તેમણે પોતાની પોસ્ટ દ્વારા સ્પષ્ટ કર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે કોઈ પણ તથ્ય તપાસ્યા વિના આવા ગંભીર આરોપો લગાવવા તે અયોગ્ય છે.

મીરા નાયરનું નામ પણ ચર્ચામાં 


અનુરાગ કશ્યપ પહેલા, આ જ કેસમાં જાણીતા ડાયરેક્ટર મીરા નાયર (Mira Nair) નું નામ પણ મીડિયામાં ગાજ્યું હતું. સોશિયલ મીડિયા પર મીરા નાયરના ફોટો સાથે એવો દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ ૨૦૦૯માં તેમની ફિલ્મ `એમેલિયા`ના સ્ક્રીનિંગ બાદ યોજાયેલી એક પાર્ટીમાં તેઓ હાજર હતા.

દસ્તાવેજોમાં જણાવ્યા મુજબ, ઘિસ્લેન મેક્સવેલના ન્યૂયોર્ક સ્થિત નિવાસસ્થાને યોજાયેલી આ આફ્ટર-પાર્ટીમાં બિલ ક્લિન્ટન જેવી હસ્તીઓની સાથે મીરા નાયરનો પણ ઉલ્લેખ હતો. જોકે, આ માત્ર એક સામાજિક હાજરી હતી, પરંતુ એપસ્ટિન સાથેના કથિત કનેક્શનને કારણે તેમનો ફોટો પણ ઈન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થયો હતો.

anurag kashyap jeffrey epstein united states of america bollywood bollywood news entertainment news mira nair