19 January, 2026 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એ. આર. રહમાને સરજ્યો વિવાદનો વંટોળ
ઑસ્કર અવૉર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહમાને હાલમાં બીબીસી એશિયન નેટવર્કને હાલમાં આપેલો એક ઇન્ટરવ્યુ ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ ઇન્ટરવ્યુમાં શબ્દો ચોર્યા વિના તેણે જેમાં મ્યુઝિક આપ્યું છે એ ‘છાવા’ને ભાગલાવાદી ફિલ્મ ગણાવી છે. આ ઇન્ટરવ્યુમાં તેણે એક નિવેદન આપતાં કહ્યું છે કે છેલ્લાં આઠ વર્ષમાં સત્તામાં ફેરફાર થયો છે તેમ જ કોમવાદને પણ મહત્ત્વ આપવામાં આવતું હોય એવું હોઈ શકે છે. એ. આર. રહમાનના આ નિવેદનને કારણે મોટો વિવાદ થયો છે જેના પગલે તેણે સ્પષ્ટતા કરવી પડી છે કે મારા શબ્દોથી લોકોને ગેરસમજ થઈ છે અને કોઈને દુઃખ પહોંચાડવાનો મારો ઇરાદો ક્યારેય નહોતો.
એ. આર. રહમાને ૨૦૨૫ની સુપરહિટ ‘છાવા’માં મ્યુઝિક-ડિરેક્ટરની જવાબદારી નિભાવી હતી. આ ઇન્ટરવ્યુમાં જ્યારે એ. આર. રહમાનને પૂછવામાં આવ્યું કે શું ‘છાવા’ ભાગલાવાદી ફિલ્મ છે ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ‘હા, આ એક ભાગલાવાદી ફિલ્મ છે. ફિલ્મમાં વિભાજનને હાઇલાઇટ કરવાનો પ્રયાસ થયો છે, પણ મારો મત એવો છે કે ફિલ્મનો મૂળ ઉદ્દેશ બહાદુરીને રજૂ કરવાનો છે. ફિલ્મમાં ઘણું બધું જોવા જેવું છે અને એનો અંત પણ પ્રભાવશાળી છે. લોકો એટલા સમજદાર છે કે માત્ર ફિલ્મોથી પ્રભાવિત થઈ જતા નથી. દરેક વ્યક્તિ પાસે પોતાનો વિવેક હોય છે જે સત્ય અને ચાલાકી વચ્ચેનો ફરક ઓળખી શકે છે.’
એ. આર. રહમાનને આ ઇન્ટરવ્યુમાં નિતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ ‘રામાયણ’ માટે સંગીત આપવાના અનુભવ વિશે પૂછવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે ‘મારી આસ્થા ક્યારેય કામમાં આડી નથી આવી. હું બ્રાહ્મણ સ્કૂલમાં ભણ્યો છું, જ્યાં દર વર્ષે રામાયણ અને મહાભારતના પાઠ ભણાવાતા હતા એટલે મને આની સારી સમજણ છે. દરેક સારી બાબતનું સન્માન કરવું જોઈએ અને સંકીર્ણતા અને સ્વાર્થથી ઉપર ઊઠવાની જરૂરિયાત પર પણ ભાર મૂકવો જોઈએ.’
ઇન્ટરવ્યુમાં જ્યારે એ. આર. રહમાનને બૉલીવુડમાં તામિલો સાથે કરવામાં આવતા ભેદભાવ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે જવાબ આપતાં કહ્યું કે ‘૧૯૯૦ના દાયકામાં મને ક્યારેય આવા અનુભવ થયા નથી, કદાચ આ બાબતો મારી પાસેથી છુપાવવામાં આવી હોય. જોકે છેલ્લાં ૮ વર્ષમાં સત્તામાં એક પ્રકારનો બદલાવ આવ્યો છે, જ્યાં નિર્ણય એવા લોકો લઈ રહ્યા છે જેઓ સર્જનાત્મક નથી. કદાચ એમાં ક્યાંક સાંપ્રદાયિક બાબતો પણ સામેલ હોઈ શકે, પરંતુ મારી સામે કોઈએ સીધું કંઈ કહ્યું નથી. હા, ક્યારેક એવું બન્યું છે કે મને ફિલ્મ માટે પસંદ કરવામાં આવ્યો હોય, પરંતુ પછી બીજી મ્યુઝિક-કંપની ફિલ્મમાં ફન્ડ લઈને પોતાના પાંચ કમ્પોઝરને લઈને આવી હોય. હું આ વાતને શાંતિથી સ્વીકારી લઉં છું અને મને પરિવાર સાથે સમય વિતાવવાનું ગમે છે. હું કામની શોધમાં નથી રહેતો, પરંતુ ઇચ્છું છે કે મારી મહેનત અને ઈમાનદારીને કારણે કામ પોતે ચાલીને મારી પાસે આવે. મને લાગે છે કે મારા ભાગ્યમાં છે એ ઈશ્વર જરૂર મને આપશે.’
મારા ઇરાદાઓના મામલે ગેરસમજ થઈ છે : એ. આર. રહમાન
ઑસ્કર અવૉર્ડ વિજેતા સંગીતકાર એ. આર. રહમાને હાલમાં એક વિવાદાસ્પદ નિવેદન આપીને તેને બૉલીવુડમાં ઓછું કામ મળવાનું કારણ કોમવાદ જેવા મુદ્દા સાથે જોડ્યું હતું. તેના આ નિવેદન પર ફિલ્મજગતના અનેક કલાકારોએ અસહમતી વ્યક્ત કરી હતી અને કડક પ્રતિક્રિયા આપી હતી. હવે આ મુદ્દે એ. આર. રહમાને એક વિડિયો જાહેર કરીને પોતાની સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તેના શબ્દોથી ગેરસમજ થઈ છે અને તેનો કોઈને દુઃખ પહોંચાડવાનો ઇરાદો ક્યારેય નહોતો.
આ વિડિયોમાં રહમાને કહ્યું હતું કે ‘મારા માટે સંગીત હંમેશાં લોકોને જોડવાનો, ઉજવણી કરવાનો અને આપણી સંસ્કૃતિનું સન્માન કરવાનો માર્ગ રહ્યો છે. ભારત મારી પ્રેરણા છે, ટીચર છે અને મારું ઘર છે. મારા ઇરાદાઓના મામલે સ્પષ્ટ રીતે ગેરસમજ થઈ છે. મેં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાની ઇચ્છા રાખી નથી અને મને આશા છે કે મારી નિષ્ઠા અનુભવાય. હું ભારતીય હોવા બદલ આભારની લાગણી અનુભવું છું, કારણ કે એણે મને એવી જગ્યા બનાવવાની તક આપે છે જ્યાં અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય અને મલ્ટિકલ્ચરલ અવાજોની ઉજવણી થાય.’
એ. એસ. દિલીપકુમાર કઈ રીતે બની ગયો એ. આર. રહમાન?
જાણીતા સંગીતકાર એ. આર. રહમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હતો અને તેનું નામ એ. એસ. દિલીપકુમાર હતું. એ. આર. રહમાનનો જન્મ હિન્દુ પરિવારમાં થયો હોવા છતાં તેણે ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો એની પાછળ પણ એક રસપ્રદ ઘટનાક્રમ છે.
એ. આર. રહમાને ૧૯૮૯માં ૨૩ વર્ષની ઉંમરે ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો અને તેણે એના પાછળનું કારણ જણાવતાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એક સૂફી ફકીરે મારા પિતાના અંતિમ દિવસોમાં તેમની સારવાર કરી હતી. મારા પિતાના નિધન પછી ઘરની પરિસ્થિતિ ખૂબ નિરાશાજનક બની ગઈ હતી. આ દરમ્યાન મારી બહેન પણ ગંભીર રીતે બીમાર પડી ગઈ હતી. ડૉક્ટરોએ અનેક ઉપાયો અજમાવ્યા, પરંતુ તેની તબિયતમાં કોઈ સુધારો આવ્યો નહોતો. એ સમયગાળા દરમ્યાન મારી માતા ફરી એક વાર એ જ સૂફી ફકીરના સંપર્કમાં આવી. આ પછી તે ફકીરની દવાઓ અને દુવાઓને કારણે મારી બહેનની તબિયત સુધરી ગઈ અને ઘરમાં ફરી શાંતિ આવી. આ ઘટનાને કારણે મારો પરિવાર તે ફકીરથી ખૂબ પ્રભાવિત થયો અને પછી મેં ઇસ્લામ ધર્મ આપનાવ્યો હતો.’
સારા મ્યુઝિક પર ધ્યાન આપો : શાન
એ. આર. રહમાનના વિવાદાસ્પદ નિવેદન પછી સૌથી પહેલાં સિંગર શાને વિરોધ નોંધાવ્યો હતો. શાને આ મામલે પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે ‘જો કામ ન મળવાની વાત હોય તો હું તમારી સામે જ છું. મેં આટલાં વર્ષોમાં ઘણું ગાયું છે છતાં ક્યારેક મને પણ કામ નથી મળતું. જોકે હું એને વ્યક્તિગત રીતે નથી લેતો, કારણ કે આ એક અંગત બાબત છે. દરેકની પોતાની વિચારધારા અને પોતાની પસંદગી હોય છે. જો આવી કોઈ સમસ્યા હોય તો પણ મને નથી લાગતું કે સંગીતમાં કોઈ સાંપ્રદાયિક કે અલ્પસંખ્યક દૃષ્ટિકોણ હોય.’
પોતાનો મુદ્દો રજૂ કરતાં શાને કહ્યું હતું કે ‘મ્યુઝિક આ રીતે કામ કરતું નથી. જો એવું હોત તો છેલ્લાં ૩૦ વર્ષમાં અલ્પસંખ્યક સમુદાયમાંથી આવતા આપણા ત્રણ સુપરસ્ટાર આટલી પ્રગતિ ન કરી શક્યા હોત. સારું કામ કરો, સારું મ્યુઝિક બનાવો અને આવી બાબતો વિશે વધારે વિચાર ન કરો. પ્રોડ્યુસર્સ ગીતની જરૂરિયાત પ્રમાણે સિંગર્સ પસંદ કરે છે. લોકોનો પોતપોતાનો મત હોય છે. એવો કોઈ નિયમ નથી કે બધાનો મત એક જેવો જ હોય. સંગીતકાર કે નિર્માતા પોતાની સમજ અને વિચારના આધારે નિર્ણય લે છે. કેટલાક કહેશે કે આ યોગ્ય છે તો કેટલાક કહેશે કે ખોટું છે. આપણે એમાં શા માટે પડવું? એમાં પડવાનો કોઈ ફાયદો નથી.’
ઓછું કામ મળવાનું કારણ વ્યસ્ત શેડ્યુલ : જાવેદ અખ્તર
પાવર શિફ્ટ અને કમ્યુનલ ફૅક્ટરને લીધે ઓછું કામ મળતું હોવાના એ. આર. રહમાનના દાવા સાથે અસંમતિ દર્શાવીને જાવેદ અખ્તરે આ મામલે કહ્યું હતું કે ‘મુંબઈની ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં આજે પણ એ. આર. રહમાનને જેટલું સન્માન મળે છે એટલું બહુ ઓછા સંગીતકારોને મળે છે. જો રહમાનને છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઓછું કામ મળ્યું હોય તો એની પાછળ કોઈ સાંપ્રદાયિક કારણ નથી, પરંતુ એ તેમનું વ્યસ્ત શેડ્યુલ અને વૈશ્વિક સ્તરે કામ કરવાની પ્રતિબદ્ધતા હોઈ શકે છે. ઘણા ફિલ્મમેકર્સ એવું માને છે કે રહમાન હંમેશાં ઉપલબ્ધ નથી હોતા, એને કારણે તેઓ અન્ય વિકલ્પ તરફ વળી જાય છે.’
જાવેદ અખ્તરે પોતાનો મુદ્દો જણાવતાં કહ્યું હતું કે ‘આજકાલ ઘણી નાના બજેટની ફિલ્મો બની રહી છે અને આવા પ્રોજેક્ટ્સ માટે નિર્માતાઓ મોટા મ્યુઝિશ્યનને એની કિંમત આપી શકતા નથી. બૉલીવુડમાં પ્રતિભા અને ક્ષમતા આધારિત નિર્ણય લેવામાં આવે છે અને ધર્મના આધારે ભેદભાવ થતો હોવાનો આરોપ યોગ્ય નથી. એ. આર. રહમાન આજે પણ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત અને સન્માનિત સંગીતકારાંમાના એક છે અને તેમના યોગદાન પર કોઈ સવાલ ઊભો નથી થતો.’
એ. આર. રહમાન પૂર્વગ્રહવાળી અને પક્ષપાતથી ભરેલી વ્યક્તિ : કંગના રનૌત
એ. આર. રહમાનના નિવેદન પછી કંગના રનૌતે આકરો પ્રતિભાવ આપતાં સોશ્યલ મીડિયા પર ખાસ મેસેજ લખ્યો છે. કંગનાએ મેસેજમાં લખ્યું છે કે ‘પ્રિય એ. આર. રહમાનજી, ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં મારે ખૂબ ભેદભાવ અને પક્ષપાતનો સામનો કરવો પડે છે, માત્ર એટલા માટે કે હું એક કેસરિયા પાર્ટીને સમર્થન કરું છું. જોકે મારે કહેવું જ પડશે કે તમારાથી વધુ પૂર્વગ્રહ ધરાવતો અને નફરતથી ભરેલો માણસ મેં આજ સુધી નથી જોયો. મારી ખૂબ જ ઇચ્છા હતી કે તમે મારી ડિરેક્ટ કરેલી ફિલ્મ ‘ઇમર્જન્સી’ માટે મ્યુઝિક આપો, પરંતુ તમે મને મળવાની પણ ના પાડી દીધી હતી. મને કહેવામાં આવ્યું કે તમે કોઈ ‘પ્રૉપગૅન્ડા ફિલ્મ’નો ભાગ બનવા નથી માગતા. આશ્ચર્યની વાત એ છે કે ‘ઇમર્જન્સી’ને બધા વિવેચકોએ એક ઉત્તમ ફિલ્મ ગણાવી છે. અહીં સુધી કે વિરોધ પક્ષના નેતાઓએ પણ મને પત્રો મોકલીને એના સંતુલિત અને સંવેદનશીલ દૃષ્ટિકોણ માટે ફિલ્મની પ્રશંસા કરી પરંતુ તમે તમારી નફરતમાં અંધ થઈ ગયા છો. મને તમારા માટે અફસોસ થાય છે.’
કંગના રનૌતે અડફેટે લીધી ડિઝાઇનર મસાબા ગુપ્તાને
જૂની ઘટનાનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું કે રામજન્મભૂમિની મુલાકાત વખતે તેનાં ડિઝાઇનર કપડાં આપવાની ના પાડી દીધી હતી
કંગના રનૌતે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક જૂની ઘટનાનો ખુલાસો કર્યો છે જેમાં ફૅશન-ડિઝાઇનર મસાબા ગુપ્તાએ પોતાની બ્રૅન્ડનાં કપડાં પહેરવા માટે કંગનાને ના પાડી હતી. કંગનાએ કમેન્ટ કરતાં કહ્યું હતું કે આ પ્રકારનો ‘ભેદભાવ’ આજે પણ તેને અંદરથી હલાવી નાખે છે.
કંગનાએ સોશ્યલ મીડિયા પર કમેન્ટ કરતાં કહ્યું હતું કે ‘એ દિવસોમાં મારી ફિલ્મ ‘તેજસ’ રિલીઝ થવાની હતી અને હું રામજન્મભૂમિ દર્શન માટે જવા માગતી હતી. મેં એ જ સ્ટાઇલિસ્ટને દર્શનયાત્રા માટે તૈયાર કરવા માટે વિનંતી કરી હતી જે મને ‘તેજસ’ની ઇવેન્ટ્સ માટે સ્ટાઇલ કરી રહી હતી. આ સ્ટાઇલિસ્ટને પ્રોડક્શન-હાઉસ દ્વારા હાયર કરવામાં આવી હતી.’
મસાબાને રામજન્મભૂમિની મુલાકાત માટે તેનાં ડિઝાઇન કરેલાં વસ્ત્રો પહેરવાની સામે સમસ્યા હોવાનો પોતાનો અનુભવ શૅર કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘મને એ વાતની પરવા નથી કે ઘણા સ્ટાઇલિસ્ટ્સે અને ડિઝાઇનર્સે મને તેમનાં સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ પરથી બૅન કરી છે, પરંતુ આ ખાસ ઘટનાએ મને સૌથી વધુ દુઃખ આપ્યું. હકીકતમાં મસાબાએ મારા પ્રમોશન માટે સ્ટાઇલિસ્ટને કપડાં મોકલ્યાં હતાં, પરંતુ જ્યારે તેને ખબર પડી કે આ રામજન્મભૂમિની મુલાકાત માટે છે ત્યારે તેણે સ્ટાઇલિસ્ટને તેનાં કપડાંનો ઉપયોગ ન કરવા કહ્યું. મને આ વાતની ખબર બહુ મોડી પડી. હું ત્યારે તૈયાર થઈ ગઈ હતી અને રામજન્મભૂમિ જવા નીકળી પડી હતી. મને આ વર્તન અત્યંત અપમાનજનક લાગ્યું અને હું કારમાં ચૂપચાપ રડી પડી હતી. આ બધું સહન કરવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું. આ પછી અન્ય ડિઝાઇનર્સની જેમ મસાબાએ પણ સ્ટાઇલિસ્ટને કહ્યું હતું કે તેનો કે તેની બ્રૅન્ડના નામનો ઉલ્લેખ ન કરવો. આ નફરત, કડવાશ અને પૂર્વગ્રહ અત્યંત બદસૂરત હતાં અને આજે પણ આ યાદ કરીને મને ઊલટી જેવી લાગણી થાય છે.’