04 January, 2026 02:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફિલ્મ ‘કિંગ’ અને ‘લવ ઍન્ડ વૉર’
રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર’ને જબરદસ્ત સફળતા મળી છે. આ ફિલ્મની રિલીઝ સાથે જ એનો બીજો ભાગ ‘ધુરંધર 2’ ૧૯ માર્ચે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. હવે એક રિપોર્ટ અનુસાર શાહરુખ ખાનની ફિલ્મ ‘કિંગ’ અને સંજય લીલા ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’ પણ બે ભાગમાં બનાવવાનો અને રિલીઝ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે જેથી બૉક્સ-ઑફિસ પર ‘ધુરંધર 2’ સાથે સીધી સ્પર્ધા ટાળી શકાય. મળતી માહિતી પ્રમાણે શાહરુખ ખાન અને સંજય લીલા ભણસાલી બન્ને પોતાની ફિલ્મોની રિલીઝ-સ્ટ્રૅટેજી પર ચર્ચા કરી રહ્યા છે. ફિલ્મ બનાવવા માટે લાગતી કિંમતના વધારાને ધ્યાનમાં રાખીને બન્ને પ્રોડક્શન-કંપનીઓ ફિલ્મને બે ભાગમાં વહેંચવાની યોજના પર વિચાર કરી રહી છે જેથી એક ફિલ્મ પછી બીજી ફિલ્મ ૬ મહિનાની અંદર સિનેમાઘરોમાં રિલીઝ કરી શકાય. વિકી કૌશલ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’ પહેલાં ૨૦૨૫ના ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ પછી એને ૨૦૨૬માં માર્ચ સુધી પોસ્ટપોન કરવામાં આવી. હવે ‘ધુરંધર 2’ અને યશની ફિલ્મ ‘ટૉક્સિક’ ૧૯ માર્ચે રિલીઝ થવાની હોવાના કારણે ‘લવ ઍન્ડ વૉર’ ઑગસ્ટ અથવા સપ્ટેમ્બરમાં રિલીઝ કરવાની યોજના છે. આ સિવાય શાહરુખની ‘કિંગ’ પણ આ વર્ષે રિલીઝ થવા માટે તૈયાર છે.