21 April, 2025 01:30 PM IST | Ujjain | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહે પણ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો
દેશ-વિદેશની અનેક સેલિબ્રિટીઝ ઉજ્જૈનના બાબા મહાકાલની ભસ્મ આરતીનાં દર્શન કરવા આવે છે. રવિવારે ફેમસ સિંગર અરિજિત સિંહે પણ મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો. અરિજિતે પત્ની કોયલ સાથે મહાકાલેશ્વર મંદિરની મુલાકાત લીધી હતી અને પછી સજોડે પૂજા-અર્ચના કરીને ભસ્મ આરતીમાં ભાગ લીધો હતો અને બાબાના આશીર્વાદ મેળવ્યા હતા. અરિજિત શનિવારે લાઇવ કૉન્સર્ટ માટે ઇન્દોર ગયો હતો અને એ પછી રવિવારે સવારે ૪ વાગ્યે પત્ની સાથે મહાકાલેશ્વર મંદિર પહોંચીને ભક્તિમાં લીન થઈ ગયો હતો. અરિજિતે બે કલાક સુધી નંદી હૉલમાં ધ્યાન ધર્યું હતું અને પછી ચાંદીદ્વારથી દર્શન-પૂજન કરીને ભગવાનના આશીર્વાદ લીધા હતા. એ પછી પૂજારીએ તેને અને તેની પત્નીને લાલ રંગનો પટકો પ્રસાદરૂપે આપ્યો હતો.
અનુપમા પણ પહોંચી બાબાનાં દર્શને
‘અનુપમા’ સિરિયલથી ભારે લોકપ્રિયતા મેળવનાર ઍક્ટ્રેસ રૂપાલી ગાંગુલીએ પણ તેના દીકરા સાથે ઉજ્જૈનમાં બાબા મહાકાલનાં દર્શન કર્યાં હતાં. એ સમયે મંદિરના મૅનેજમેન્ટનાં વખાણ કરીને રૂપાલીએ કહ્યું હતું કે બાબાની કૃપાથી મને ‘અનુપમા’નો પ્રોજેક્ટ મળ્યો છે. પોતાની આ મુલાકાત વખતે રૂપાલીએ કહ્યું હતું કે ‘હું દર બે મહિને બાબાના આશીર્વાદ લેવા આવી જાઉં છું. મારા જીવનમાં કંઈ ખાસ થાય કે મારું મન ઉદાસ થાય તો મને બાબાના શરણે આવવાનું મન થાય છે. મને હંમેશાં અહીં આવીને જાણે પિયર આવી હોઉં એવું લાગે છે.’