મારો બબ્બર શેર રણવીર સિંહ-અર્જુન રામપાલે શૅર કરી ઍક્ટર સાથેની પડદા પાછળની તસવીરો

01 April, 2026 02:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘ધુરંધર : ધ રિવેન્જ’માં મેજર ઇકબાલનો રોલ કરીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર અર્જુન રામપાલે તેની જૂની યાદોને તાજી કરતાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફર વિશે એક ભાવુક નોંધ લખી છે.

મારો બબ્બર શેર રણવીર સિંહ-અર્જુન રામપાલે શૅર કરી ઍક્ટર સાથેની પડદા પાછળની તસવીરો

‘ધુરંધર : ધ રિવેન્જ’માં મેજર ઇકબાલનો રોલ કરીને સારીએવી લોકપ્રિયતા મેળવનાર અર્જુન રામપાલે તેની જૂની યાદોને તાજી કરતાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સફર વિશે એક ભાવુક નોંધ લખી છે. અર્જુને સોશ્યલ મીડિયા પર પોતાની કરીઅરની શરૂઆતના દિવસોની તસવીરો શૅર કરીને સાથે પોતાની તાજેતરની બ્લૉકબસ્ટર ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ના સેટની કેટલીક ઝલક પણ પોસ્ટ કરી હતી. સોશ્યલ મીડિયા પર આ પોસ્ટ ખાસ કરીને ચર્ચામાં છે જેમાં હમઝા અને મેજર ઇકબાલ સાથે જોવા મળે છે. આ તસવીર જોઈને ફૅન્સ અર્જુન રામપાલ અને રણવીર સિંહ વચ્ચેના બૉન્ડિંગની જોરદાર પ્રશંસા કરી રહ્યા છે.

અર્જુને ફિલ્મના સેટમાંથી ઘણી અન્ય તસવીરો પણ શૅર કરીને લખ્યું હતું કે ‘બાળપણમાં કાઉબૉયની રમત રમવાથી લઈને મારી પહેલી ફિલ્મ ‘મોક્ષ’ મળવા સુધી અને હવે ‘ધુરંધર’ સુધી... હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે આ સફરમાં મારી સાથે એ બધા લોકો રહ્યા જેમણે મને તેનો ભાગ માન્યો. મારી પ્રિય ફૅન-ફૅમિલી, આ સફરમાં મારી સાથે રહેવા બદલ તમારો આભાર. આ જબરદસ્ત ‘ધુરંધર’ ફૅમિલીનો પણ આભાર, જેણે મને મજબૂત સહારો આપ્યો.’

અર્જુને આ પોસ્ટમાં રણવીર સિંહ માટે ખાસ શબ્દો લખ્યા અને તેને ‘બબ્બર શેર’ તરીકે સંબોધ્યો. તેણે લખ્યું હતું કે ‘મારો બબ્બર શેર રણવીર સિંહ... આ યાદી તો હજી લાંબી ચાલશે, હું તો ખુશીથી ફૂલ્યો નથી સમાતો. ધીરજ, મહેનત અને જુસ્સો... આ ત્રણ વસ્તુઓ ક્યારેય છોડશો નહીં, પછી જુઓ તમારાં બધાં સપનાં સાકાર થઈ જશે.’ 

હવે દર્શકોને થિયેટરમાં જોવા મળશે નવી ધુરંધર : ધ રિવેન્જ

‘ધુરંધર : ધ રિવેન્જ’ને સારીએવી સફળતા મળી છે ત્યારે ફિલ્મના ઘણા સીન સોશ્યલ મીડિયા પર પણ વાઇરલ થયા છે. જોકે આવા જ એક સીનમાં થયેલી નાની ભૂલ ચર્ચાનો વિષય બની હતી એને કારણે મેકર્સે ફિલ્મનું સુધારેલું વર્ઝન ફરીથી થિયેટર્સમાં મોકલ્યું છે.
ફિલ્મમાં ડિરેક્ટર આદિત્ય ધરે દરેક સીન પર ખાસ ધ્યાન આપ્યું હતું, પરંતુ ઇન્ટરવલ પછીના એક ઇન્ટેન્સ ફાઇટના સીનમાં ભૂલ રહી ગઈ હતી. આ સીનમાં રણવીર સિંહનું પાત્ર હમઝા બાથરૂમમાં તેના મિત્ર પિંડા સાથે લડતું જોવા મળે છે. આ સીન દર્શકોને ખૂબ ગમ્યો, પરંતુ બાથરૂમના અરીસામાં કૅમેરામૅનનું રિફ્લેક્શન દેખાઈ જતાં આ ભૂલ ઝડપાઈ ગઈ અને સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ હતી.
રિપોર્ટ અનુસાર મેકર્સે આ ભૂલ સ્વીકારી લીધી છે અને તરત જ એને સુધારી લીધી છે. હવે દેશભરનાં સિનેમાઘરોમાં ફિલ્મની રિવાઇઝ્‍ડ પ્રિન્ટ મોકલવામાં આવી છે જેમાં આ રિફ્લેક્શન દૂર કરવામાં આવ્યું છે. હવે થિયેટર્સમાં આ સુધારેલું વર્ઝન જ બતાવવામાં આવશે અને OTT તથા સૅટેલાઇટ પર પણ આ જ વર્ઝન રિલીઝ થશે.

આદિત્ય ધરને મારી ગર્દિશ ફિલ્મ જોઈને ફિલ્મમેકિંગમાં આવવાની પ્રેરણા મળી : પ્રિયદર્શન

ફિલ્મમેકર પ્રિયદર્શને તાજેતરમાં આદિત્ય ધરની બન્ને ‘ધુરંધર’ની સફળતા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. પ્રિયદર્શને જણાવ્યું હતું કે ‘આદિત્ય ધરને ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન જમાવવા માટે શરૂઆતમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. શરૂઆતમાં આદિત્ય ખૂબ નિરાશ હતો, પરંતુ તેણે આ વિશે શરૂઆતમાં કંઈ કહ્યું નહોતું. ત્યાર બાદ જ્યારે તે મારી સાથે કામ કરવા લાગ્યો ત્યારે તેણે પોતાની મુશ્કેલી શૅર કરી હતી. એક વખત વાતચીત દરમ્યાન આદિત્ય ધરે કહ્યું હતું કે તેને દિલ્હી યુનિવર્સિટીની ક્રિકેટ ટીમમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ જીવનમાં શું કરવું એ સમજાતું નહોતું એ સમયે તેણે મારી ‘ગર્દિશ’ ફિલ્મ જોઈ અને ત્યાંથી તેને ફિલ્મમેકિંગમાં આવવાની પ્રેરણા મળી. અમે લંડન અને સ્કૉટલૅન્ડમાં સાથે કામ કર્યું હતું અને આદિત્યનો વિકાસ મેં મારી આંખે જોયો છે.’

ધુરંધર : ધ રિવેન્જની સ્ક્રિપ્ટ મારી વાર્તા ચોરીને બનાવવામાં આવી છે

સંતોષ કુમાર આરએસ નામના લેખકે આદિત્ય ધર પર આવો આરોપ મૂક્યો છે

આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ઐતિહાસિક કમાણી કરી રહી છે અને દર્શકો તરફથી ખૂબ પ્રશંસા મેળવી રહી છે. હવે આ ફિલ્મને લઈને એક નવો વિવાદ ઊભો થયો છે. હાલમાં સંતોષ કુમાર આરએસ નામના લેખકે આદિત્ય ધર પર ગંભીર આરોપ લગાડીને દાવો કર્યો છે કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ ૨૦૨૩માં તેણે લખેલી વાર્તાની ચોરી કરીને બનાવવામાં આવી છે
સંતોષ કુમારે જણાવ્યું હતું કે તેણે પોતાની સ્ક્રિપ્ટ સાથે ઘણાં પ્રોડક્શન-હાઉસનો સંપર્ક કર્યો હતો જેમાં સોની, ઝી, ટી-સિરીઝ અને ધર્મા પ્રોડક્શનનો સમાવેશ થાય છે. તેણે પોતાની વાત રજૂ કરતાં કહ્યું હતું કે તેણે પોતાની વાર્તા ૨૦૨૩ના નવેમ્બરમાં સ્ક્રીનરાઇટર્સ અસોસિએશનમાં રજિસ્ટર પણ કરાવી હતી અને તેની પાસે તમામ પુરાવા અને ઈ-મેઇલ કમ્યુનિકેશન છે.

લેખકે વધુમાં કહ્યું હતું કે તેણે આ વાર્તા મનોરંજન માટે લખી હતી, પરંતુ ફિલ્મને રાજકીય પ્રૉપગૅન્ડા તરીકે રજૂ કરવામાં આવી છે એનાથી તે દુખી છે. આ માટે તે કાનૂની કાર્યવાહી પણ કરશે. આ મામલે હજી સુધી આદિત્ય ધર અથવા ફિલ્મના મેકર્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ધુરંધર : ધ રિવેન્જ થઈ ગઈ ઑનલાઇન લીક

જોકે મોટી સંખ્યામાં લોકોએ ફરિયાદ કરી એટલે ફિલ્મને તરત જ હટાવી દેવામાં આવી

૧૯ માર્ચે રિલીઝ થયા પછીથી જ ‘ધુરંધર : ધ રિવેન્જ’ બૉક્સ-ઑફિસ પર ધૂમ મચાવી રહી છે. જ્યાં ફૅન્સ અને દર્શકો સિનેમાઘરોમાં ફિલ્મનો આનંદ લઈ રહ્યા છે ત્યાં જ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું એક લો-રેઝોલ્યુશનનું મોબાઇલથી રેકૉર્ડ કરાયેલું વર્ઝન ઑનલાઇન લીક થઈ ગયું છે.
આ ફિલ્મ રિલીઝ થયા બાદ એક ચૅનલે એનું ૩ કલાક ૪૯ મિનિટનું પાયરેટેડ વર્ઝન અપલોડ કરી દીધું. હવે જ્યારે આ પાયરેટેડ વર્ઝન વાઇરલ થઈ રહ્યું છે ત્યારે યુઝર્સે એના પર પ્રતિક્રિયા આપવાની શરૂ કરી દીધી છે. એક યુઝરે આદિત્ય ધર અને યામી ગૌતમને ટૅગ કરતાં લખ્યું હતું કે ‘ધુરંધર : ધ રિવેન્જ’ યુટ્યુબ પર અપલોડ થઈ ગઈ છે, કૃપા કરીને એની ફરિયાદ કરો. 
થોડા સમય પહેલાં જ આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર દર્શકોને ફિલ્મનાં સ્પૉઇલર્સ ન આપવાની વિનંતી કરી હતી અને કહ્યું હતું કે આ એક ડિરેક્ટર માટે સૌથી સુંદર ભેટ હશે. જોકે તેની આ વિનંતી છતાં ફક્ત સ્પૉઇલર્સ જ નહીં પરંતુ આખી ફિલ્મ જ ઑનલાઇન અપલોડ કરી દેવામાં આવી છે.
જોકે ફિલ્મ લીક થયાની ખબર સામે આવતાં જ મોટી સંખ્યામાં યુઝર્સે પ્લૅટફૉર્મ પર આ વિડિયોનો રિપોર્ટ કર્યો. એના પરિણામે સંબંધિત પાયરેટેડ વિડિયો તરત જ હટાવી દેવામાં આવ્યો. ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા નિષ્ણાતોનું માનવું છે કે પાયરસી કોઈ પણ ફિલ્મની કમાણી પર સીધી અસર કરે છે. ફિલ્મ જ્યારે થિયેટરમાં રિલીઝ થઈ હોય ત્યારે આવા લીકથી મોટું નુકસાન થઈ શકે છે. ભારતમાં ફિલ્મ-પાયરસીને કૉપીરાઇટ કાયદા હેઠળ ગંભીર ગુનો માનવામાં આવે છે. પરવાનગી વગર ફિલ્મ ડાઉનલોડ કરવી, શૅર કરવી અથવા અપલોડ કરવી દંડનીય છે. જો કોઈ દોષિત સાબિત થાય તો તેને દંડ સાથે જેલની સજા પણ થઈ શકે છે.

bollywood buzz ranveer singh dhurandhar bollywood news bollywood gossips bollywood entertainment news