ગુજરાતી માતાના સંસ્કારને કારણે આશા ભોસલે ગુજરાતને માતૃભૂમિ ગણતાં હતાં

13 April, 2026 10:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મરાઠી ક્લાસિકલ ગાયક અને અભિનેતા પંડિત દીનાનાથ મંગેશકર અને મૂળ ગુજરાતી માતા શેવંતીનાં ત્રીજાં પુત્રી હતાં આશા ભોસલે

માતા-પિતા સાથે ત્રણ બહેનો, માતા સાથે આશા ભોસલે

ભારતીય ફિલ્મજગતની સફળ અને જાણીતી ગાયિકાઓમાં લતા મંગેશકર અને આશા ભોસલેનો સમાવેશ છે. જોકે આશાએ આ ભવ્ય સફળતા મેળવવા માટે આકરો સંઘર્ષ કરવો પડ્યો હતો. આશા ભોસલેનો જન્મ ૧૯૩૩ની ૮ સપ્ટેમ્બરે થયો હતો. તેઓ મરાઠી  ક્લાસિકલ ગાયક અને અભિનેતા પંડિત દીનાનાથ મંગેશકર અને મૂળ ગુજરાતી માતા શેવંતીનાં ત્રીજાં પુત્રી હતાં.

મંગેશકર પરિવારની દીકરી આશા ભોસલેનાં માતા શેવંતીબહેન મૂળ ગુજરાતનાં હતાં એટલે આશા ભોસલેએ ઘણી વાર જાહેરમાં જણાવ્યું હતું કે ગુજરાત મારી માતૃભૂમિ છે અને માતાના ગુજરાતી શબ્દો તેમ જ સંગીતે મારી સંવેદનશીલતાનું ઘડતર કર્યું છે. આશાનાં માતા શેવંતીબહેનનો જન્મ મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના થલનેરમાં થયો હતો. તેમના પપ્પા સેઠ હરિદાસ રામદાસ લાડ એક ધનવાન ગુજરાતી વેપારી અને જમીનદાર હતા. શેવંતીબહેન દીનાનાથ મંગેશકરનાં બીજાં પત્ની હતાં. તેમનાં મોટાં બહેન નર્મદા દીનાનાથનાં પ્રથમ પત્ની હતાં જેમનું અવસાન થયા પછી દીનાનાથ સાથે શેવંતીનાં લગ્ન થયાં હતાં. શેવંતીબહેન ઘરમાં ગુજરાતી ભાષા પણ બોલતાં અને ઘરમાં ગુજરાતી લોકગીતો અને ગરબા ગાતાં અને શીખવતાં હતાં.

શેવંતીબહેને ૧૯૪૨માં પતિના અવસાન પછી પાંચ બાળકો લતા, આશા, ઉષા, મીના અને હૃદયનાથને મોટાં કર્યાં હતાં. તેઓ શાકાહારી હતાં, પણ ઘરમાં ગુજરાતી-મરાઠી સંસ્કૃતિનું મિશ્રણ હતું. આ રીતે મંગેશકર પરિવારને શેવંતી મંગેશકરે મહત્ત્વનો ગુજરાતી વારસો આપ્યો હતો.

સંગીતમય પરિવાર

ભાઈ અને બહેનો સાથે આશા ભોસલે

મંગેશકર પરિવારમાં આશા સહિત તેમનાં બધાં ભાઈ-બહેનો એટલે કે લતા મંગેશકર, ઉષા મંગેશકર, હૃદયનાથ મંગેશકર અને મીના ખડીકર એ બધાં સંગીત સાથે સંકળાયેલાં રહ્યાં. જોકે આ બધામાં સૌથી વધુ પ્રસિદ્ધ લતા મંગેશકર બન્યાં. આશા ભોસલેએ માત્ર ૧૦ વર્ષની ઉંમરે બહેન લતા મંગેશકર સાથે ગીત ગાઈને સંગીતની દુનિયામાં પગ મૂક્યો હતો. બહેનો લતા, ઉષા અને મીના સાથે આશા ભોસલેનો સારો સંબંધ હતો. જોકે લતા મંગેશકર અને તેમની વચ્ચે વ્યાવસાયિક જીવનમાં વિવાદ થયાની વાતો અનેક વખત આવી હતી. જોકે આશાએ આ વાતને અનેક વખત નકારી હતી. 

asha bhosle celebrity death lata mangeshkar indian music entertainment news bollywood bollywood news