આશા ભોસલેએ તારી આંખનો અફીણી ગીત ઑન ધ સ્પૉટ ગાયું અને પૌત્ર અચરજ પામી ગયો હતો

13 April, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યશરાજ સ્ટુડિયોમાં દિલીપ ધોળકિયાના પૌત્રએ આશા ભોસલેને તેમની ઓળખ આપીને આશાતાઈએ એક પળનોય વિલંબ કર્યા વગર આ અમર રચનાની બે લાઇન ગાઈ સંભળાવી

આશા ભોસલે સાથે યોગી ધોળકિયા

આશા ભોસલેને ગુજરાતી સ્વરકારો, ગુજરાતી ગાયકો સાથે વર્ષોજૂનો નાતો રહ્યો છે. તેમને નામ જોગ ઓળખતા. મુંબઈના યશરાજ સ્ટુડિયોમાં જ્યારે વિખ્યાત ગાયક દિલીપ ધોળકિયાના પૌત્ર યોગી ધોળકિયા આશા ભોસલેને મળ્યા અને ગ્રૅન્ડફાધરની ઓળખ આપી તો આશાતાઈએ તરત જ ‘તારી આંખનો અફીણી’ ગીતની બે લાઇન સંભળાવીને દિલીપ ધોળકિયાની યાદોને વાગોળતાં યોગી ધોળકિયા અચરજ પામી ગયો હતો.

આશા ભોસલે સાથેની એ યાદગાર પળો વિશે વાત કરતાં સાઉન્ડ એન્જિનિયર યોગી ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું, ‘ઇન્ડિયન સિનેમાનાં ૧૦૦ વર્ષ પૂરાં થતાં હતાં ત્યારે એક ગીત આવ્યું હતું જેમાં લતા મંગેશકર સહિતના કલાકારોએ ગાયું હતું. આ ગીતમાં આશાજીએ પણ ગાયું હતું ત્યારે તેમને મેં રેકૉર્ડ કર્યાં હતાં. આ ગીત પ્રસૂન જોશીએ લખ્યું હતું અને શાંતનુ મોઇત્રાએ આ ગીત કમ્પોઝ કર્યું હતું અને હું સાઉન્ડ-એન્જિનિયર હતો. આ ગીતના રેકૉર્ડિંગ વખતે ૨૦૧૨માં હું આશાજીને યશરાજ સ્ટુડિયોમાં મળ્યો હતો. એ સમયે આશાજીને મારી ઓળખ આપીને કહ્યું હતું કે મારા ગ્રૅન્ડફાધરને તમે ઓળખો છો. તો આશાજીએ પૂછ્યું, કોણ? મેં કહ્યું, દિલીપભાઈ ધોળકિયા. તો આશાજી મારા દાદાને ઓળખી ગયાં અને તરત જ ‘તારી આંખનો અફીણી’ ગીત ગાયું. આશાજીએ મારા દાદાએ ગાયેલા ગીતને યાદ કરીને એ ગીતની કેટલીક લાઇનો મને ગાઈ સંભળાવી ત્યારે હું સરપ્રાઇઝ થઈ ગયો કે દાદાએ ગાયેલું આ ગીત આશાજીને યાદ છે. મને ખબર હતી કે મારા દાદાને આશાજી ઓળખે છે, તેમની સાથે કામ કર્યું છે, પણ આશાજી સીધું જ તેમનું ગીત ગાઈને સંભળાવશે એનો આઇડિયા મને નહોતો એટલે સરપ્રાઇઝ થયું કે મારા દાદાને યાદ કરીને તેમણે ગાયેલું ગીત મને ગાઈ સંભળાવ્યું. મારા માટે આ એક બહુ મોટી વાત હતી. જીવનમાં આ હું ક્યારેય ન ભૂલી શકું એવી પળ હતી.’

asha bhosle celebrity death indian music entertainment news bollywood bollywood news