15 October, 2025 06:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
આશા ભોસલે અને અમિત શાહની મુંબઈમાં મુલાકાત (તસવીર:PTI)
Asha Bhosle Met Amit Shah: આજે મુંબઈમાં ગાયિકા આશા ભોસલે અને ગૃહમંત્રી અમિત શાહની ખાસ મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંનેએ વાત કરી અને ઘણા મુદ્દાઓ પર પોતાના વિચારો પણ શેર કર્યા. આશા ભોસલે અને ગૃહમંત્રી અમિત શાહની બેઠક દરમિયાન ગીતોનો માહોલ પણ જામ્યો હતો. આશા ભોસલેએ ગૃહમંત્રી અમિત શાહ માટે ખાસ ગીતો રજૂ કર્યા, જેને સાંભળીને ગૃહમંત્રી પણ મંત્રમુગ્ધ થઈ ગયા. આસા ભોસલેએ પોતાના મંત્રમુગ્ધ અવાજથી ઉપસ્થિત સૌના દિલ જીતી લીધા હતા. એટલું જ નહીં આ દરમિયાન તેણે ઘણી ભાષાઓમાં ગીતો ગાયા.
અમિત શાહ માટે ગાયું ખાસ ગીત
કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા ગાયિકા આશા ભોસલેની ફોટો બાયોગ્રાફી રિલીઝ કરવામાં આવી હતી. સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં આયોજિત આ કાર્યક્રમમાં બીજેપી મુંબઈ અધ્યક્ષ આશિષ શેલાર અને આશા ભોસલે તેમના પરિવારના કેટલાક સભ્યો સાથે હાજર રહ્યા હતા. આ ફોટો બાયોગ્રાફી `બેસ્ટ ઓફ આશા`માં પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજ્યાધ્યક્ષે આશા ભોસલેની ઘણી ખાસ તસવીરો સામેલ કરી છે. આ ખાસ મીટિંગ દરમિયાન આશા ભોસલેએ દેવા આનંદની ફિલ્મ `હમ દોનો`નું ગીત `અભી ના જાઓ છોડ...` ગાયું હતું.
આ ઉપરાંત આશા ભોસલે બે ગુજરાતી ગીતો ગાતા પણ જોવા મળ્યા હતા. એક, જગ પ્રખ્યાત `મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો...` અને બીજુ "તારી વાંકી રે,પાઘલડીનું ફુમતું રે,મને ગમતું રે" ગીત ગાયું હતું.
42 ફોટાઓનો સંગ્રહ છે
પ્રખ્યાત ફોટોગ્રાફર ગૌતમ રાજધ્યક્ષે વેલ્યુએબલ ગ્રુપના સહયોગથી અને મુંબઈ બીજેપીના અધ્યક્ષ ધારાસભ્ય આશિષ શેલારની પહેલથી `બેસ્ટ ઑફ આશા` પુસ્તકમાં આશા ભોસલેની તસવીરો પ્રકાશિત કરી છે. ગાયિકાના 42 અલગ-અલગ ફોટોગ્રાફ્સનો સમાવેશ કરીને આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે, જે તેની જૂની યાદોને લોકો સમક્ષ સુંદર રીતે રજૂ કરશે.
સંગીત એ આશાજીનો શ્વાસ છે
તાજેતરમાં જ આશા ભોસલેએ પોતાના ઈન્ટરવ્યુમાં સંગીત પ્રત્યેના પ્રેમની વાત કરી હતી. આશા ભોસલે કહે છે, `જો આપણે શ્વાસ ન લઈએ તો વ્યક્તિ મરી જાય છે. મારા માટે, સંગીત મારો શ્વાસ છે. આ વિચાર સાથે મેં મારું જીવન જીવ્યું છે. મેં સંગીતને ઘણું આપ્યું છે. મને ખૂબ સારું લાગે છે કે મેં મુશ્કેલ સમયને પાર કર્યો છે. ઘણી વખત મને લાગ્યું કે હું બચી શકીશ નહીં, પણ હું બચી ગઈ.’ આશા ભોસલે આજે તેમના જન્મદિવસ નિમિત્તે દુબઈમાં પરફોર્મ કરવા જઈ રહ્યાં છે. આ પ્રસંગે તે દિગ્ગજ ગાયકોને યાદ કરશે.