ગતિશીલતા જ સફળતાની ચાવી છે

19 April, 2026 11:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં સલાહ આપી કે શરીર અને મન બન્નેને સક્રિય રાખવાં જોઈએ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન ૮૩ વર્ષની ઉંમરે પણ સોશ્યલ મીડિયા અને પોતાના બ્લૉગ દ્વારા સતત સક્રિય રહે છે. તેઓ પોતાના બ્લૉગ્સ મારફત લોકો સુધી પ્રેરણાદાયક વિચારો પહોંચાડતા રહે છે. તાજેતરમાં તેમણે એક બ્લૉગ-પોસ્ટમાં સક્રિય અને પ્રેરિત રહેવાના મહત્ત્વ વિશે પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા અને એમાં પોતાના પિતા અને પ્રખ્યાત સાહિત્યકાર હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓનો ઉલ્લેખ કર્યો હતો. અમિતાભ બચ્ચને પોતાના બ્લૉગમાં સમયની ઝડપ અને એની અસ્થિરતા વિશે વાત કરી હતી. તેમણે લખ્યું હતું કે દિવસ ખૂબ ઝડપથી પસાર થઈ રહ્યા છે અને એ આપણને યાદ અપાવે છે કે સમય કેટલો ઝડપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે ગતિશીલતા જ સફળતાની ચાવી છે. પોતાના બ્લૉગમાં તેમણે સલાહ આપી હતી કે શરીર અને મન બન્નેને સક્રિય રાખવાં જોઈએ, કારણ કે ગતિશીલતા જ જીવનમાં સ્પષ્ટતા અને શક્તિ લાવે છે, જ્યારે નિષ્ક્રિયતા કોઈ લાભ આપતી નથી. પોતાના આ લખાણમાં અમિતાભે ધીરજ અને જ્ઞાનના મહત્ત્વ પર પ્રકાશ પાડતાં લખ્યું હતું, ‘ધીરજ એક એવો કોયડો છે જે દરેક ક્ષણે પરીક્ષા લે છે, પરંતુ એનું પરિણામ ખૂબ જ સારું મળે છે. આ લાભ માત્ર આર્થિક નહીં, દાર્શનિક દૃષ્ટિકોણથી પણ વધુ મહત્ત્વપૂર્ણ છે.’ બ્લૉગમાં જ્ઞાન વિશે વાત કરતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે કોઈ પણ વિષયનો અભ્યાસ યુદ્ધમાં ધનુષ્યમાંથી અનેક તીર છોડવા જેવો છે. યુદ્ધના બદલાતા સ્વરૂપ અને ધનુષ્યબાણથી લઈને મિસાઇલ સુધીનો ઉલ્લેખ કરીને તેમણે સમજાવ્યું હતું કે પદ્ધતિઓ બદલાય છે, પરંતુ સંઘર્ષનો મૂળ સ્વભાવ ક્યારેય બદલાતો નથી.

amitabh bachchan bollywood news bollywood buzz bollywood gossips bollywood entertainment news