07 April, 2026 11:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચનની ફાઇલ તસવીર
અમિતાભ બચ્ચન હવે ૮૩ વર્ષના થયા છે, પરંતુ આ ઉંમરે પણ તેમની સ્ફૂર્તિ, કામ પ્રત્યેનો જુસ્સો અને સતત કંઈક નવું કરતા રહેવાની તેમની જિજીવિષા બધાને પ્રેરણા આપે છે. અમિતાભે ૫૭ વર્ષની તેમની કરીઅરમાં ૨૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. વર્ષ ૨૦૦૦થી અત્યાર સુધી તેઓ ‘કૌન બનેગા કરોડપતિ’ની ૧૭માંથી ૧૬ સીઝન હોસ્ટ કરી ચૂક્યા છે. તેમનું કામ પ્રત્યેનું શિસ્તબદ્ધ વલણ અને સમર્પણ જ છે જે તેમને આ ઉંમરે પણ ‘યંગ’ રાખે છે. અમિતાભે પોતાના તાજેતરના બ્લૉગમાં જણાવ્યું કે કેવી રીતે તેમનું દૈનિક રૂટીન તેમના જીવન પર ઊંડી અસર કરે છે. તેમણે લખ્યું છે કે જ્યારે કોઈ દિવસ કામ વગર પસાર થાય છે ત્યારે તેઓ બેચેન થઈ જાય છે.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું, ‘એક એવો દિવસ જે આળસથી ભરેલો હતો... કોઈ ખાસ કારણ નહોતું, પરંતુ દરરોજ કામ ન કરવું મને પરેશાન કરે છે. જ્યારે તમે દરરોજ એક નક્કી શેડ્યુલ પ્રમાણે કામ નથી કરતા ત્યારે તમારી આદતોનું જે ચક્ર ચાલી રહ્યું હતું એ તૂટી જાય છે અને દિવસ અચાનક અજાણી સ્થિતિમાં ફેરવાઈ જાય છે. રૂટીનથી દૂર જવાથી મારું સંતુલન બગડી જાય છે.’
અમિતાભે બ્લૉગમાં આગળ લખ્યું, ‘તમે વિચારો છો કે આજનો દિવસ સામાન્ય દિવસ જેવો કેમ નથી પસાર થતો. જો આપણામાં થોડી સમજ હોય તો આપણે આપણી આસપાસ શાંતિ અને સકારાત્મકતા જાળવી શકીએ. જોકે કેટલાક લોકો માટે આ શક્ય નથી બનતું અને એ ચિંતા વધારવાનું કારણ બને છે. ચિંતા સાથે જીવવું મન અને શરીર બન્ને માટે નુકસાનકારક છે અને આ કારણે ચિંતા ભરેલો દિવસ પસાર કરવો જરૂરી નથી.’