07 August, 2026 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આવારાપન 2 પોસ્ટર
૨૦૦૭માં રિલીઝ થયેલી ફિલ્મ ‘આવારાપન’ની સીક્વલ ‘આવારાપન 2’ ૧૪ ઑગસ્ટે થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે. સેન્સર બોર્ડે ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપ્યું છે. જોકે એની સાથે મેકર્સને ફિલ્મમાં ૯ ફેરફારો કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. ‘આવારાપન 2’માં ઇમરાન હાશ્મી, દિશા પાટની અને શબાના આઝમી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
આ ફેરફારોમાં સૌથી પહેલાં હિંસક દૃશ્યો ઘટાડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ફિલ્મમાં ઉપયોગમાં લેવાયેલા અપશબ્દોને પણ મ્યુટ કરવા પડશે. સેન્સર બોર્ડે ડ્રગ્સ, સ્મોકિંગ અને બાળકોની તસ્કરી વિરુદ્ધ ચેતવણી આપતું ડિસ્ક્લેમર ઉમેરવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ૧૬ વર્ષ કે એનાથી ઓછી ઉંમરનાં બાળકો આ ફિલ્મ માત્ર મમ્મી-પપ્પાની દેખરેખમાં જ જોઈ શકશે.
સેન્સર બોર્ડે સૂચવેલા ફેરફારો બાદ ફિલ્મની કુલ લંબાઈમાં પણ થોડો ફેરફાર થયો છે. આ ફેરફાર પછી હવે ફિલ્મનો અંતિમ રનટાઇમ ૧૪૦ મિનિટ અને ૨૦ સેકન્ડનો છે. આ સિવાય ફિલ્મ હિન્દી ભાષામાં અંગ્રેજી સબટાઇટલ્સ સાથે રિલીઝ કરવામાં આવશે.