આયુષ્માન ખુરાના ટૅલન્ટેડ અને સખત મહેનતુ ઍક્ટર છે : કુમાર સાનુ

04 December, 2021 04:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જે સમયે મને જાણ થઈ કે તેઓ મારી ફિલ્મમાં ગીત ગાવાના છે તો હું સાતમા આસમાને પહોંચી ગયો હતો. પ્રામાણિકપણે કહું તો મારા માટે આ મોટી સિદ્ધિ છે.’

આયુષ્માન ખુરાના ટૅલન્ટેડ અને સખત મહેનતુ ઍક્ટર છે : કુમાર સાનુ

કુમાર સાનુએ જણાવ્યું છે કે આયુષ્માન ખુરાના ટૅલન્ટેડ અને મહેનતુ કલાકાર છે. હાલમાં જ ‘સા રે ગા મા પા’ના શોમાં કુમાર સાનુ, કવિતા ક્રિષ્નામૂર્તિ, આયુષ્માન ખુરાના અને વાણી કપૂર સ્પેશ્યલ ગેસ્ટ તરીકે હાજર રહ્યાં હતાં. આ રિયલિટી શો છેલ્લાં પચીસ વર્ષથી લોકોનું મનોરંજન કરી રહ્યો છે. દર શનિવાર અને રવિવારે આ શો ઝીટીવી પર રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. વ્રજ અને અનિષ્કાએ ‘આંખોં કી ગુસ્તા​ખિયાં’ પર પર્ફોર્મ કર્યું હતું. દીપાયન અને નીલાંજને ‘રિમ ઝિમ રિમ ઝિમ’ અને ‘દર્દ કરારા’ ગીતો પર પર્ફોર્મ કર્યું હતું. આ પર્ફોર્મન્સ બાદ ‘દર્દ કરારા’ ગીત પર કુમાર સાનુ અને આયુષ્માન ખુરાનાએ પર્ફોર્મ કર્યું હતું. આ ગીત ‘દમ લગા કે હઈશા’નું છે. ફિલ્મમાં આયુષ્માન અને ભૂમિ પેડણેકર લીડ રોલમાં હતાં. કુમાર સાનુ વિશે આયુષ્માન ખુરાનાએ કહ્યું હતું કે ‘હું બાળપણમાં સાનુદાનાં ગીતો ખૂબ સાંભળતો હતો અને હું હંમેશાંથી તેમનો મોટો ફૅન રહ્યો છું. જે સમયે મને જાણ થઈ કે તેઓ મારી ફિલ્મમાં ગીત ગાવાના છે તો હું સાતમા આસમાને પહોંચી ગયો હતો. પ્રામાણિકપણે કહું તો મારા માટે આ મોટી સિદ્ધિ છે.’
તો બીજી તરફ આયુષ્માનની પ્રશંસા કરતાં કુમાર સાનુએ કહ્યું હતું કે ‘હું પહેલી વખત જ્યારે ‘દમ લગા કે હઈશા’ માટે આયુષ્માનને મળ્યો ત્યારે તેને મળીને ખૂબ ખુશી થઈ હતી. તે ખૂબ જ ટૅલન્ટેડ અને મહેનતુ ઍક્ટર છે. મને યાદ છે કે તેઓ હૃષીકેશમાં શૂટિંગ કરી રહ્યા હતા, એમાં તેને ભૂમિને પીઠ પર ઊંચકીને દોડવાનું હતું. એ રસ્તાઓ ખૂબ ખાડાટેકરાવાળા હતા. આમ છતાં તેણે એ સીન કર્યો. કામ પ્રતિનું તેનું સમર્પણ અને ઉમંગ સૌએ શીખવા જેવા છે. આ ફિલ્મના કેટલાક સીન્સ શૂટ કરીને મને આ અદ્ભુત વ્યક્તિને મળવાની તક મળી હતી.’

bollywood news bollywood bollywood gossips entertainment news ayushmann khurrana kumar sanu